ઉબેણના પટમાંથી એક કરોડની રેતી ચોરી થઇ હોવાની આશંકા

ઉબેણના પટમાંથી એક કરોડની રેતી ચોરી થઇ હોવાની આશંકા
તંત્રે સામૂહિક દરોડા પાડી દોઢ કરોડનાં વાહન, મશીન જપ્ત કર્યા
જૂનાગઢ, તા.12: જૂનાગઢ જિલ્લામાં રેત ખનન સામે જિલ્લા તંત્ર દ્વારા લાલઆંખ કરી આજે સવારે રેવન્યુ, ખાણ ખનિજ અને પોલીસે સંયુક્ત દરોડો પાડી દોઢ કરોડની કિંમતનાં 36 ટ્રેક્ટરો, બે લોડરો કબજે કરી, જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ
નોંધાવી છે.
ઓઝત નદીમાં રેત ખનન સામે લોકરોષ અને આંદોલનને પગલે કલેક્ટર ડો. સૌરભ પારધીએ ગેરકાયદે રેત ખનન સામે સામૂહિક દરોડા પાડવાની સૂચના આપતા આજે સવારે નાયબ કલેક્ટર જ્વલંત સવલની આગેવાની હેઠળ રેવન્યુ, ખાણ ખનિજ અને પોલીસે દરોડો પાડયો હતો.
જિલ્લા તંત્રની રેડથી ઉબેણ નદીના પટમાં રેતી ભરવા આવેલાં ટ્રેક્ટરોમાં દોડાદોડી થઇ પડી હતી પરંતુ પોલીસે ફિલ્મી ઢબે પીછોકરી 36 ટ્રેક્ટરો અને બે લોડર પકડી પાડયા હતા. તેની કિંમત અંદાજે દોઢ કરોડ આંકવામાં આવે છે. આ તમામ વાહનો સીઝ કરી પીટીસી ગ્રાઉન્ડમાં રાખી દેવાયાં છે.
જિલ્લા તંત્રની સૂચના મુજબ ખાણ ખનિજ ટીમ દ્વારા રેતી ચોરીની માપણી શરૂ કરી હતી. તેમાં અંદાજે એકાદ કરોડની રેતી ચોરી હોવાનું ખાણ ખનિજ સૂત્રોમાંથી જાણવા મળે છે. જિલ્લા ભૂસ્તશાત્રી આંકોલકરે જણાવ્યું કે, રેત ખનન કરનારા માથાભારે તત્ત્વો હોવાથી કામગીરી કરવામાં મુશ્કેલી પડે છે.
અપૂરતા સ્ટાફને કારણે સફળ કામગીરી થઇ શકતી નથી. પોતાની પાસે જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લાનો ચાર્જ હોવાથી જૂનાગઢ જિલ્લામાં પૂરતો સમય ફાળવી શકાતો નથી. પોલીસ તંત્ર પણ ક્યાંક કચાશ રાખે છે. તેનું આ પરિણામ છે.
નાયબ કલેક્ટર જ્વલંત રાવલે જણાવ્યું કે, બિલ્ડિંગ સ્ટોનની ખાણોમાં તપાસ કરવામાં આવી હતી. શરતભંગ જણાય છે. તેઓ સામે પણ કાર્યવાહી કરાશે. આજે સવારે નલિયાધર ગામે આ કાર્યવાહી થઇ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer