કાલાવડ પાસે 17 લાખની લૂંટ

કાલાવડ પાસે 17 લાખની લૂંટ
પૈસા ભરવા જતાં સહકારી મંડળીના મંત્રીને નવાગામ પાસે આંતરીને છરી બતાવી ત્રણ શખસ લૂંટી ગયા
કાલાવડ, તા. 12: કાલાવડ પાસે લૂંટનો બનાવ બન્યો હતો. કાલાવડના નવાગામની સીમમાં  જય કિશાન સહકારી મંડળીના મંત્રીને માર મારીને છરી બતાવીને ત્રણ શખસ રૂ. 17 લાખની રોકડ રકમની લૂંટ કરીને બાઇક પર નાસી ગયા હતાં.
કાલાવડના મોટા પાંચદેવડા ગામે રહેતા અને જય કિશાન સહકારી મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતાં હરસુખભાઇ નાકરાણી ખેડૂતો પાસેથી  મંડળીની વસુલાત કરાયેલી રૂ. 17 લાખની રોકડ રકમ થેલામાં રાખીને જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકની નવાગામ શાખામાં ભરવા માટે બાઇક પર જતાં હતાં. ત્યારે વાવડી અને નવાગામની વચ્ચે નવાગામની સીમમાં બાઇક પર ત્રણસવારીમાં આવેલા શખસોએ તેને આંતર્યા હતાં અને મંત્રી હરસુખભાઇને ઢીકા માર્યા હતાં. બાદમાં છરી બતાવીને રૂ. 17 લાખની રોકડ રકમ સાથેના થેલાની લૂંટ કરીને નાસી ગયા હતાં. આ બનાવની જાણ કરાતાં ડીવાયએસપી દોશી, કાલાવડ ગ્રામ્યના પીએસઆઇ ડી.પી.ચુડાસમા સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને સહકારી મંડળીના મંત્રી પાસેથી લુટારૂઓનું વર્ણન મેળવીને તેને ઝડપી લેવા નાકાબંધી કરાવી હતી. પોલીસની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરાના ફુટેજ પરથી  લુટારૂઓ બાઇક પર નાસી જતા નજરે પડયા હતાં. પોલીસે લુટારૂઓ ફોટો વાયરલ કરીને તેને પકડી પાડવા પ્રયાસ શરૂ કર્યા હતાં. આ લૂંટના બનાવમાં કોઇ જાણભેદુનો હાથ હોવાની પણ શંકા વ્યકત કરવામાં આવી છે.  સહકારી મંડળીના મંત્રી પાસે આટલી મોટી રકમ હોવાની વાત કોણ કોણ જાણતુ હતુ તેના સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer