બીટકોઇન કેસમાં નલીન કોટડિયાને ભાગેડુ જાહેર કરવા CID ક્રાઇમની કોર્ટમાં અરજી

બીટકોઇન કેસમાં નલીન કોટડિયાને ભાગેડુ જાહેર કરવા CID ક્રાઇમની કોર્ટમાં અરજી
શૈલેષ ભટ્ટ પણ પકડથી બહાર
(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા.12: બીટકોઇન કેસમાં લાંબા સમયથી ફરાર પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને શોધવા માટે સીઆઇડી દ્વારા સીઆરપીસી 70નું વોરંટ લેવામાં આવ્યું હતું પણ એક મહિનાની લાંબી તપાસ બાદ કોટડિયાનો કોઇ પત્તો નહીં લાગતાં આજે સીઆઇડી ક્રાઇમે હાઈકોર્ટમાં અરજી કરી નલીન કોટડિયાને ભાગેડુ જાહેર કરવાની માંગણી કરી છે. અદાલતે સીઆઇડીની રજૂઆત બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. 
બીટકોઇન કેસમાં શૈલેષ ભટ્ટને લૂંટી લેવા માટે કાવતરું ઘડનાર પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને સમન્સ પાઠવવા છતાં તેઓ સીઆઈડી સમક્ષ હાજર થયા ન હતા. ત્યારબાદ સીઆઇડીએ તેમનું વોરંટ લઇ તેમના ધારી ખાતેના ઘરે પણ તપાસ કરી હતી પણ તેમનો પત્તો લાગ્યો ન હતો. આ ઉપરાંત તેમનો ડ્રાઇવર રજાક સોલંકી પણ સીઆઇડીને મળી આવ્યો નથી. સીઆઇડીએ ખાનગી રાહે તપાસ કરાવતાં તે અમરેલીની એક ગૌશાળામાં હોવાની હકીકત મળી હતી પણ ત્યાં પણ તેમનો પત્તો લાગ્યો ન હતો.
સીઆઇડી ક્રાઇમે તેમના ફોન કોલ્સમાં તેઓ જેમના સંપર્કો હતા તેવા સંબંધીઓ અને મિત્રોને ત્યાં પણ તપાસ કરી પણ તેઓ પણ કોટડિયા અંગે કંઇપણ જાણતા હોવાનો ઇન્કાર કરી દીધો હતો. આમ, સીઆઇડી દ્વારા જ્યાં પણ તપાસ કરવામાં આવી અને જેમનાં નિવેદન નોંધવામાં આવ્યા તે તમામનાં નિવેદન અને તપાસનો અહેવાલ કોર્ટ સામે રજૂ કર્યો હતો. આ ઉપરાંત નલીન કોટડિયા દેશ છોડી જાય નહીં તે માટે બહાર પાડવામાં આવેલી લૂક આઉટ નોટિસ પણ કોર્ટ સામે મૂકવામાં આવી હતી. આમ સીઆઇડીએ કોટડિયાને શોધવા માટે પૂરતા પ્રયાસ કર્યા છે તેના પુરાવા કોર્ટ સામે મૂકી નલીન કોટડિયાને ભાગેડુ જાહેર કરવાની વિનંતી કરવામાં આવી હતી.
કોર્ટે હાલમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે પણ સીઆરપીસી 82 પ્રમાણેનું વોરંટ જો આપવામાં આવે તો કોટડિયા સત્તાવાર રીતે ભાગેડુ જાહેર થશે. બીજી તરફ બીટકોઇનની બીજી 150 કરેડની ફરિયાદના મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટને પણ સીઆઇડી શોધી શકી નથી. આ મામલે હમણાં સુધી પાંચ ધરપકડ થઇ ચૂકી છે. જો કે શૈલેષ ભટ્ટ દ્વારા સુરતની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી છે જેની સુનાવણી 14મી જૂનના રોજ થવાની છે જ્યારે ગુજરાત હાઇકોર્ટમાં શૈલેષ ભટ્ટે પોતાની સામે નોંધાયેલી ફરિયાદ ખોટી હોવાનો દાવો કરી ફરિયાદ રદ કરવાની માંગણી કરી છે. એક તબક્કે કોટડિયા અને શૈલેષ બંને નેપાળમાં હોવાની શંકા પણ થઈ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer