જામનગરની તરુણીનું ફલ્લા પાસેથી અપહરણ, મોરબીમાં મુક્તિ

જામનગરની તરુણીનું ફલ્લા પાસેથી અપહરણ, મોરબીમાં મુક્તિ
પાડોશી શખસે અગાઉ પણ બે વખત બળાત્કાર ગુજાર્યો હતો
 
જામનગર, તા.12 :  ગોકુલનગર વિસ્તારમાં રહેતી એક તરૂણીનું તેના પાડોશમાં જ રહેતો શખસ ફલ્લા પાસેથી અપહરણ કરી ગયાની અને બાદમાં મોરબીમાં તરૂણીને તેના દાદાના ઘર પાસે મુકી ગયાની ફરિયાદ  નોંધાઈ છે. આ શખસે અગાઉ બે વખત તરૂણી ઉપર બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.
ગોકુલનગર વિસ્તારમાં રહેતી 14 વર્ષની તરૂણી રવિવાર તા.10ના રોજ સવારે મોરબી પોતાના દાદાના ઘેર બસમાં જતી હતી ત્યારે તેના પાડોશમાં જ રહેતો પ્રવીણ ચૌહાણ નામનો શખસ મોટર સાઈકલ ઉપર પાછળ ગયો હતો અને ફલ્લા પાસે બસમાંથી તરૂણીને ઉતારી તેનું અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ મોડી સાંજે તરૂણીને મોરબીમાં તેના દાદાના ઘર પાસે ઉતારી નાશી ગયો હતો.
આ અપહરણ અંગે તરૂણીના પિતાએ ફરિયાદ નોંધાવી છે અને અગાઉ પણ તરૂણીને ધાકધમકી આપી બે વખત બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ કર્યો છે. પી.એસ.આઈ. એચ.વી. ગોહિલે પોસ્કો સહિતના ગુના નોંધી તપાસ હાથ ધરી હતી.
---------------
ભાવનગરના છાયા ગામે કિશોરી પર દુષ્કર્મ
બંધ સ્કૂલમાં લઇ જઇને ગામના જ શખસે આચર્યુ કૃત્ય
ભાવનગર, તા. 12: ભાવનગર જિલ્લાના છાયા ગામે 15 વર્ષની કિશોરી પર તે જ ગામના અરવિંદ કોળી નામના શખસે દુષ્કર્મ આચર્યુ હતું.
ઘોઘા તાલુકાના છાયા ગામે રહેતાં શ્રમિક પરિવારની પંદર વર્ષની કિશોરીને એ જ ગામનો અરવિંદ કોળી નામનો શખસ બાવડુ પકડીને ગામની બંધ સ્કૂલમાં લઇ ગયો હતો. ત્યાં કિશોરી પર દુષ્કર્મ આચરીને નાસી ગયો હતો. બાદમાં કિશોરીની તબિયત લથડી હતી. તેના કારણે પરિવારને જાણ થઇ હતી. કિશોરીને સારવાર માટે અહીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં તેની ફરિયાદ પરથી અરવિંદ કોળી સામે ગુનો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer