લગ્ન પ્રસંગોએ વાજબી ભાવે અપાશે STની બસ

લગ્ન પ્રસંગોએ વાજબી ભાવે અપાશે STની બસ
(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા.12: ગુજરાતમાં લગ્ન પ્રસંગોએ ખાનગી ટ્રાવેલ્સના વિકલ્પે સરળ-સલામત-કિફાયતી બસ સેવાઓ એસ.ટી.નિગમ પૂરી પાડશે એવી જાહેરાત આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, રાજ્યસરકારની માર્ગ પરિવહન સેવાઓ નહિ નફો, નહિં નુકસાનના ધારણે પ્રજાજનોને સુવિધા આપવાનો કેન્દ્રવર્તી ધ્યેય છે, લગ્ન પ્રસંગ માટે એસ.ટી.સેવાનો લાભ વધુ મળે તે માટે 20 કિ.મી. સુધી આવન-જાવન માટે માત્ર રૂા.1200 તેમજ એક ફેરો હોય તો રૂા.700ના નજીવો દરે સેવા અપાશે. એવી જ રીતે 20 કિ.મી. સુધી આવન-જાવનના ફેરા માટે રૂા.2000 અને એક ફેરાના રૂા.1200 ચૂકવવાના રહેશે તથા 60 કિ.મી. સુધી આવન-જાવન માટે રૂા.3000 અને એક ફેરા માટે રૂા.1500 ચૂકવવાના રહેશે.
મુખ્યપ્રધાને આજે રાણીપ ખાતે એસ.ટી.નિગમ દ્વારા પી.પી.પી. પ્રોજેક્ટ હેઠળ નિર્માણ થયેલી નવીન મધ્યસ્થ કચેરીને ખુલ્લી મૂકી હતી. સાથે સાથે અત્યાધુનિક કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ તેમણે કર્યુ હતું. નરોડા એસ.ટી.વર્કશોપ ખાતે મધ્યસ્થ યંત્રાલયનું નિદર્શન ઉપરાંત સેન્ટ્રલ મોટર્સ વ્હીકલ રૂલ્સ અને બસ બોડી કોડ મુજબની એઆઇએસ-052 સર્ટીફાઇડ સુપર એક્સપ્રેસ બસને તથા રેડી-મીડી બસને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. તેમણે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં મેટ્રોલીંગ બસ રૂટનો પણ પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે તેમણે કહ્યું કે, એસ.ટી.ના પૈડાં ક્યારેય થંભ્યા નથી તે જ પુરવાર કરે છે કે એસ.ટી.ની વિશ્વસનીયતા અને સેવાભાવ આજે પણ અકબંધ છે. રાજ્યના 98 ટકા ગામો તથા 99 ટકા પ્રજાને જોડતુ એસ.ટી.નિગમ 25 લાખ કિ.મી.થી વધુ  કિ.મી.નું સંચાલન કરે છે.  અગાઉ જુની પુરાણી પધ્ધતિઓથી કામ થતું હતું અને આજે કર્મચારીઓએ નવા ઇનોવેશન અપનાવ્યા છે તે આવકાર્ય છે એટલું જ નહીં ઇન હાઉસ બોડી બીલ્ડીંગનું પરિમાણ એસ.ટી.એ પ્રસ્થાપિત કર્યુ છે. હાલ પરિવહન સેવામાં કાર્યરત બસો વધારીને 10 હજાર સુધી લઇ જવી છે. રાજ્યના તમામ ડેપોમાં 24 કલાક સફાઇ રહે અને આધુનિક સેવાથી સજ્જ બને તે માટે રાજ્યસરકાર કટિબદ્ધ છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer