એન્જિનિયરિંગ કોલેજો ‘ખાલીખમ’ રહેશે?

એન્જિનિયરિંગ કોલેજો ‘ખાલીખમ’ રહેશે?
63,500 સીટ સામે 43,000નું રજિસ્ટ્રેશન થયું છે, તેમાંથી પણ 37-38 હજાર જ પ્રવેશ લેશે એટલે 27 હજારથી 28 હજાર સીટો પ્રાથમિક તારણ મુજબ ખાલી રહેશે
 હેમેન ભટ્ટ
રાજકોટ, તા.12: એન્જિનિયરિંગ કોલેજોમાં ખાલી સીટો દર વરસે વધતી જાય છે, આ વરસે પણ સ્થિતિ સારી નથી. આ વરસે 139 એન્જીનીયરિંગ કોલેજોની 63,497 બેઠકો છે, તે સામે 43 હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, આથી 21 હજાર સીટો તો આરંભથી જ ખાલી રહી છે, હવે 43 હજાર જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે, તેમાંથી કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે અને કેટલા નહીં, તેની પર કોલેજ સંચાલકોની મીટ રહેશે. સતત ખાલી રહેતી સીટોને કારણે ઘણી કોલેજોને અસ્તિત્વ ટકાવવા પર સવાલ ઉભા થયા છે. સામાન્ય રીતે 43 હજાર રજિસ્ટ્રેશનમાંથી 37 થી 38 હજાર વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવે એવી સ્થિતિ છે એટલે કે 26 હજારથી 27 હજાર સીટો ખાલી રહેશે એવું પ્રાથમિક તારણ છે.
ગુજરાતમાં જીટીયુ સંલગ્ન 88 કોલેજો છે અને અન્ય સરકારી કોલેજો છે. આ ઉપરાંત 3-ગ્રાન્ટેડ કોલેજ, 1-ઓટોનોમસ કોલેજ, 2-પીપીપી ધોરણે ચાલતી કોલેજ અને 29 ખાનગી યુનિવર્સિટી મળીને 139 કોલેજો છે, જેની કુલ બેઠકો 63497 છે, તેની સામે રજિસ્ટ્રેશન જ માત્ર 43 હજાર જેટલા જ વિદ્યાર્થીઓએ કરાવ્યા છે. હવે બુધવાર તા.13મીથી પ્રથમ મોક રાઉન્ડ શરૂ થશે. અત્યારે આ 139 કોલેજોમાં 44 બ્રાન્ચીસના કોર્ષ ચાલે છે. જો કે, અગાઉ જેમ મિકેનીકલનો ક્રેઝ હતો એ હવે કોમ્પ્યુટર તરફ વળ્યો છે. આથી ઘણી કોલેજોએ  મીકેનીકલની સીટ ઘટાડીને કોમ્પ્યુટરની સીટ વધારી દીધી છે.
વિદ્યાર્થીઓનો પણ અત્યારે કોમ્પ્યુટર તરફ વધુ ઝોક છે, પણ જ્યારે તેઓ 4 વર્ષ પછી એન્જીનીયર થઇને બહાર નીકળશે, ત્યારે સીનારિયો શું હશે, એ વિચારવું જોઇશે. મીકેનીકલની 18 હજાર સીટો હતી એ ઘટીને 14 હજાર થઇ છે. સામે કોમ્પ્યુટરની સીટો વધીને 10,500 જેટલી થઇ છે ઉપરાંત આઇટી તેમજ નવા નવા કોમ્પ્યુટરના કોર્ષ પણ શરૂ થયા છે. આથી હવે કોમ્પ્યુટરમાં ‘ફુગાવો’ થશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ શ્રેષ્ઠ રિઝલ્ટ અને શ્રેષ્ઠ પ્લેસમેન્ટવાળી કોલેજો જ પસંદ કરે છે. આથી નબળા રિઝલ્ટવાળી ઘણી કોલેજોના અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થવાનો છે.
GTUથી કોલેજો છૂટી કેમ થતી જાય છે ?
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) હેઠળ 88 સેલ્ફ ફાયનાન્સ કોલેજ અને 16 સરકારી કોલેજો છે. પણ જીટીયુથી અલગ પડીને કોલેજો યુનિવર્સિટી બનાવવા લાગી છે. અત્યારે 29 ખાનગી યુનિવર્સિટીઓ થઇ ગઇ છે. રાજકોટમાં જ આર.કે. યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, આત્મિય યુનિવર્સિટી અને 3 ખાનગી યુનિવર્સિટીઓ થઇ ગઇ છે. આવી ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કોમ્પીટીશન ઓછી ફેસ કરવી પડે છે. ઋઝઞમાં કોમ્પીટીશન વધી જાય. એ જોકે સારૂ છે, વળી કોલેજો જીટીયુથી છૂટી પડવાનું એક કારણ જીટીયુના રિઝલ્ટ અને તેનાથી ખરાબ થતી છાપ પણ હોઇ શકે. પરંતુ કોલેજો જીટીયુથી છૂટા પડી, યુનિવર્સિટી બનાવવા લાગી તેની પાછળનું કારણ શું એ સૌના મનોમંથનનો પ્રશ્ન બની રહેવું જોઇએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer