મગફળી ખરીદીમાં કૌભાંડ : નાફેડ

મગફળી ખરીદીમાં કૌભાંડ : નાફેડ
નાફેડના ચેરમેન વાઘજીભાઇ બોડાની સાફ વાત : કૌભાંડો છૂપાવવા મગફળી સળગાવાઇ
 રાજકોટ, તા. 12: ગુજરાતમાં મગફળીનાં ગોદામોમાં આગ લાગવાની ત્રણ - ત્રણ ઘટનાઓ કોઇ સંયોગ નથી પરંતુ વ્યવસ્થિતપણે આચરેલું કૌભાંડ છે તેવી ગંભીર વાત નાફેડના ચેરમેન વાઘજીભાઇ બોડાએ કહી હતી. હલકી મગફળીની ખરીદી, માટીની ભેળસેળ અને ગેરરીતિથી થયેલી ખરીદીનું કૌભાંડ છૂપાવવા માટે આગ લગાવવામાં આવી છે. આગ લાગી તે ગોદામના માલિકોની અને ખરીદ કરનારી મંડળીઓ સહિતના લોકોની તેમાં સંડોવણી છે તેવો ગંભીર આરોપ બોડાએ મૂક્યો હતો. રાજ્ય સરકાર આ મુદ્દે જાણતી હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકાર ઉપર આરોપ મૂકતા તેમણે જણાવ્યું કે, નાફેડ ગુજરાતમાં વર્ષોથી ગુજકોમાસોલને સહકારી ધોરણે ખરીદી સોંપતી આવી છે પરંતુ રાજ્ય સરકારે પોતાની રીતે જ દૂધ સંઘો, ગુજકોટ અને માંદી - નબળી મંડળીઓને આડેધડ ખરીદી કરવાનું કામકાજ સોંપી દીધું હતું. જે ખરેખર તો ખરીદીનાં કામકાજને લાયક જ ન હતી. આવી સંસ્થાઓની નિમણૂક મુદ્દે નાફેડને પણ અંધારામાં રાખવામાં આવ્યું હતું.
ગુજકોટ જેવી સંસ્થાને કોઇ અનુભવ નથી, સ્ટાફ નથી છતાં 80 ટકા ખરીદી તેના મારફત થઇ. સંસ્થાના એક વ્યક્તિનો નામજોગ ઉલ્લેખ કરીને મનફાવે તેમ ખરીદ કેન્દ્રો શરૂ કરીને ગોદામો ય રાખી લેવાયાં હતાં. એપીએમસી બોર્ડ દ્વારા રખાયેલાં ગોદામોમાં પણ કોઇ સુવિધા નથી છતાં બધું ચાલે છે. જોકે આવી સ્થિતિને લીધે કૌભાંડો આચરનારાને છૂટો દોર મળી ગયો હતો.
ગોદામોમાં મગફળી ભરતા પૂર્વે ગોદામની રસ્તાથી ઉંચાઇ, આસપાસની જગ્યા, હવા - ઉજાસ. ફાયર સેફ્ટીનાં સાધનો, ફ્યુમિગેશન તથા ગુણવત્તા જાળવવા માટેના કોઇ નિયમો મોટેભાગે પાળવામાં આવ્યા નથી. આગ લાગવાના બનાવો પૂર્વે 14 ગોદામો તો સાવ ખૂલ્લામાં હતાં! હજુ ય એકાદ બે ગોદામ ખૂલ્લાં છે. છતાં કોઇ તકેદારી રખાતી નથી. રાજ્ય સરકાર પણ આ બાબતે ઉદાસિન છે.
વાઘજીભાઇએ ઉમેર્યું કે, ગુજકોટ દ્વારા રાખવામાં આવેલાં ગોદામોમાં જ આગ લાગવાની ઘટનાઓ બની છે. સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનનાં ગોદામોમાં ક્યાંય માટી નાખવાના કે આગના બનાવો બન્યા નથી. જ્યાં મગફળીમાં માટી ભેળવવાની કામગીરી થઇ અને આગ લાગી તેમાં જેતે કેન્દ્રના સંચાલકો કે મંડળી અને વેરહાઉસનો મોટો હાથ છે તેવું તેમણે કહ્યું હતું. સરકારના ઉપલા સ્તરની પણ મિલિભગત હોઇ શકે છે તેવી શંકા તેમણે દર્શાવી હતી. છતાં કોઇ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.
મગફળી કાંડને લીધે સરકારની આબરુ ધોવાઇ ગઇ છે. હવે જો સરકાર વહેલી તકે મગફળી કાંડના સૂત્રધારોની સામે કાર્યવાહી નહીં કરે તો ગુજરાત સરકારની રહીસહી આબરુના પણ લીરાં ઉડી જશે. ગુજરાતની સ્થિતિ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવી થઇ ગઇ હોવાનું પણ બોડાએ ઉમેર્યું હતું.
ગુજરાત સરકારના પેટનું પાણી હલતું નથી: બોડા
આગની ત્રણ ત્રણ ઘટનાઓ પછી રાજ્ય સરકારના પેટનું પાણી હલતું ન હોય તેમ તપાસમાં સાવ ઢીલાશ ચાલે છે ત્યારે કેન્દ્રની સૂચના પછી હવે નાફેડ, ગુજકોટ, ગુજકોમાસોલ અને સરકારી પ્રતિનિધિની એક ટૂકડી દરેક કેન્દ્ર - ગોદામમાં જઇને ધૂળ - માટી અને મગફળીની ગુણવત્તા અંગે તપાસ કરી રહી છે. આ પ્રકારે એક હજાર ગોદામની તપાસ કરવામાં આવનાર છે.
ખેડૂતો માટી ભેળવે જ નહીં ગોદામ પસંદગીમાં જ ગડબડ
ખેડૂતો રૂ. 900ના ટેકાના ભાવમાં માટી ભેળવીને આપે તેવું બને જ નહીં. કૌંભાંડ જે તે ખરીદ મંડળી કે સંસ્થા ઉપરાંત ગોદામ માલિકોએ એકત્ર થઇને આચર્યું હોય છે. તેમણે કહ્યું કે, મગનભાઇ ઝાલાવડિયાને મોટી જવાબદારી લાયકાત વિના સોંપી દેવાઇ હતી. એ પછી આડેધડ ગોદામો રખાયાં, માટી ભળી અને આગ લાગી. રાજકોટમાં બારદાન પણ બાળવામાં આવ્યાં હતાં. રાજ્ય સરકાર આ મુદ્દે હજુ ગંભીર થઇ નથી.
બધું જાણું છું પણ ખેડૂતોનાં હિત માટે બોલતો નથી: બોડા
નાફેડના ચેરમેન વાઘજીભાઇએ પત્રકાર પરિષદ શરૂ કરી તે પહેલાં લાગણીશીલ થઇને કહ્યું હતું કે બધું જાણું છું પણ ખેડૂતોની સંસ્થા છે એટલે ખેડૂતોનું અહિત ન થાય તે માટે ચૂપ છું. નાફેડ અને ખેડૂતોનાં હિત માટે બોલવામાં મર્યાદા રાખવી પડે છે. સહકારી ક્ષેત્રે વર્ષોથી કાર્યરત બોડાએ આ પ્રકારે કોઇ કૌભાંડો ક્યારેય સહન કર્યાં નથી. જો કે વધારે તેઓ બોલી શક્યા ન હતા.
વેલ્ડિંગના તણખાથી મગફળી સળગી ન શકે
શાપરના ગોદામમાં મગફળીના જથ્થામાં આગ લાગી ત્યારે વેલ્ડિંગના તણખાથી ઘટના બની હોવાની સ્પષ્ટતા સરકારી તપાસ બાદ બહાર આવી છે પરંતુ તણખાથી ક્યારેય મગફળી સળગી ન શકે તેવું બોડાએ પરોક્ષ રીતે કહ્યું હતું. તપાસનું કારણ જ તેમણે શંકાસ્પદ ગણાવ્યું હતું. શાપરની ઘટનામાં એક જ મંડળીનો માલ હોવાનું બહાર આવ્યું હતું છતાં કોઇ પગલાં લેવાયાં નથી.
 
આગની ઘટનાઓમાં નાફેડનો હાથ નથી: કૃષિમંત્રીને અજ્ઞાન
મગફળીની ખરીદીમાં ગોટાળા, સળગાવવાના બનાવો અને બેદરકારીની ઘટનાઓ માટે નાફેડ જવાબદાર છે તેવું કૃષિ મંત્રી આર.સી. ફળદુનું નિવેદન પાયાવિહોણું છે. કૃષિ મંત્રીને સત્યનું જ્ઞાન નથી અને પૂરતો અભ્યાસ પણ કર્યો નથી એટલે ખોટી વાતો ફેલાવાઇ રહી છે, તેમ નાફેડના ચેરમેન વાઘજીભાઇ બોડાએ કહ્યું હતું.
ધૂળ - માટી ભેળવવાની
ઘટના સામૂહિક કૃત્ય છે
મગફળીની ખરીદી દર વર્ષે વ્યવસ્થિતપણે થાય જ છે પણ આ વર્ષે જ્યાં ધૂળ-માટી ભેળવી દેવાની ફરિયાદો આવી છે તે કોઇ એકલ દોકલ વ્યક્તિનું કામ નથી તેવું વાઘજીભાઇએ જણાવ્યું હતું. આવા કૃત્યમાં વેરહાઉસના માલિક અને ખરીદ કરનારી સંસ્થાઓનો પણ હાથ હોય જ. નાફેડના કોઇ અધિકારીઓ પણ તેમાં સામેલ હોઇ શકે છે, કારણ કે સમૂહમાં જ આવું કૌભાંડ થઇ શકે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer