ઉત્તર કોરિયાનું અણુ નિ:શત્રીકરણ નિશ્ચિત

ઉત્તર કોરિયાનું અણુ નિ:શત્રીકરણ નિશ્ચિત
ટ્રમ્પ-કિમ વચ્ચે ઐતિહાસિક અને સફળ મંત્રણા : બન્ને રાષ્ટ્રો નવો ઈતિહાસ રચવા ઈચ્છુક
કોરીયન દ્વિપકલ્પના પૂર્ણ નિ:શત્રીકરણના બદલામાં અમેરિકાએ આપી સુરક્ષાની ગેરન્ટી
સિંગાપોર, તા. 12: અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તનાવને પગલે સમગ્ર દુનિયા ઉપર વિશ્વયુદ્ધનો ખતરો અને દહેશત ફરી વળી હતી. આ આશંકા અને દહેશત આજે શમાવી દેનારા ઘટનાક્રમમાં  સમગ્ર વિશ્વ ભારે આતુરતાભેર રાહ જોઈ રહ્યુ હતુ તેવી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉન (3પ) વચ્ચે આજે અહીં ઐતિહાસિક સમિટ યોજાઈ હતી. આ મંત્રણાના અંતે કોરીઅન દ્વીપકલ્પનું અણુનિ:શત્રીકરણ કરવાના સર્વાંગી દસ્તાવેજ પર બેઉ નેતાઓએ  સહીસિકકા કર્યા સાથે ઈતિહાસ રચાયો હતો. બેઉ દેશો સ્થિર અને શાંતિપૂર્ણ શાસન ઉભું કરવાના સંયુકત પ્રયાસ માટે સંમત થયા હતા, જ્યારે વોશિંગ્ટન ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા (ડીપીઆરકે)ને સલામતી બાંહેધરી પૂરી પાડવા પ્રતિબદ્ધ થયું હતું.
બેઉ નેતાઓ વચ્ચે ચીમકીઓ અને અપમાનોનાં  લાંબા સિલસિલા પછી આજની અભૂતપૂર્વ બેઠક બાદ ટ્રમ્પે જણાવ્યુ હતું કે બેઉ રાષ્ટ્રો નવો ઈતિહાસ રચવા ઈચ્છુક છે. અમે નવું પ્રકરણ લખવાને સજ્જ છીએ, ભૂતકાળ કંઈ ભવિષ્યની વ્યાખ્યા ન બની શકે તેવી ટ્રમ્પની ટકોરે, અણુ:નિશત્રીકરણ ખૂબ ઝડપભેર શરૂ થવાનો ચોકકસ સંકેત આપ્યો હતો. થોડા માસ પહેલા જે યોજાવી અંસભવ જણાતી હતી તેવી આજની બેઠક બેઉ નેતાઓના સંબંધોમાં આવેલા નાટયાત્મક બદલાવ દર્શાવે છે. બેઉ દેશો યુદ્ધકેદીઓના અવશેષો મેળવવા અને યુદ્ધ લડતા લાપતા થયેલાને એકમેકને પાછા સોંપવા ય દસ્તાવેજમાં સંમતિ થઈ છે.
આ પહેલાં બેઉ નેતાઓ સિંગાપોરના સેન્ટોસા ટાપુ પરની કુશાંદે રીસોર્ટમાંની કેપેલા હોટેલ ખાતે એકમેકને પહેલી વાર મળ્યા અને હસ્તધૂનન કર્યુ. નાઈસ ટુ મીટ યુ મિ. પ્રેસિડન્ટ એ કિમના પ્રથમ શબ્દો હતા જવાબમાં ટ્રમ્પે જણાવ્યુ હતું કે એ મારુ સદભાગ્ય છે અને આપણી વચ્ચે મજબૂત સંબંધો રચાશે તે વિશે મને કોઈ શંકા નથી. તસવીરો પડાવ્યા બાદ ટ્રમ્પ અને કિમ વચ્ચે બંધબારણે વન-ટુ-વન સમિટ યોજાઈ હતી. એક કલાક ચાલેલા વાર્તાલાપ બાદ બેઉ નેતા મીટીંગ રુમમાં ગયા હતા, જ્યાં તેઓ સાથે પોતપોતાના દેશના સીનિયર અધિકારીઓ સામેલ થયા હતા. કિમ ટ્રમ્પને દુભાષિયા મારફત કહેતા હતા કે ઘણા લોકો એમ વિચારતા હશે કે તેઓ ફેન્ટસી, સાયન્સ ફિકશન મુવીમાંથી લેવાયેલું દૃશ્ય નિહાળી રહ્યા છે.
તે પછી બેઉ પક્ષકારોએ દ્વિપક્ષી વાટાઘાટ કરી હતી અને વર્કિંગ લન્ચ સહભાગી કર્યુ હતું. ભોજન બાદ બેઉ નેતાઓએ ટૂંકી લટાર મારી હતી.
શાંતિ અને સમૃદ્ધિ માટે બેઉ દેશોના પ્રજાના અરમાનો મુજબ નવા યુએસ-ડીપીઆરકે સંબંધો સ્થાપવા બેઉ દેશ પ્રતિબદ્ધ થયા હતા. ગઈ 18 એપ્રિલના પાનમુનજોમ ડિકલેરેશનને દોહરાવતાં ડીપીઆરકે કોરીઅન દ્વિપકલ્પના પૂર્ણ અણુનિ:શત્રીકરણ માટે કાર્યરત થવા વચનબદ્ધ થયા છે. બેઉ નેતાઓએ સહી કરેલી સંયુકત સમજુતી કઈ રીતે ધ્યેયો સાધવામાં આવશે તે તેની વિગતો નથી. અણુનિ:શત્રીકરણની વાટાઘાટની આગેવાની કઈ રીતે લેવાશે તે વિશે કોઈ સ્પષ્ટતા નહોતી. તેમ જ જે અણુશત્રના કાર્યક્રમે ઉ.કોરિયાના અર્થતંત્રને ખોડંગાવી નાખ્યું તેવા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો ય કોઈ ઉલ્લેખ દસ્તાવેજમાં ન હતો.
ટ્રમ્પ-કિમ મંત્રણાથી ચીન ખુશ !
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમજોંગઉન વચ્ચે થયેલી શિખર મંત્રણાના ચીને વખાણ કર્યાં છે. હજુ ગઇકાલ બુધવારના જ અહેવાલ અનુસાર, આ મંત્રણાથી ભયભીત બતાવાયેલાં ચીને આજે ટ્રમ્પ-કિમ મુલાકાત બદલ ખુશી વ્યક્ત કરી હતી.
મંત્રણાના મુખ્ય મુદ્દા
ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગે પૂર્ણ નિ:શત્રીકરણની ખાતરી આપી. સામે પક્ષે અમેરિકાએ ઉત્તર કોરિયાની સુરક્ષાની જવાબદારી લીધી.
ટ્રમ્પે કિમ જોંગને ખૂબ જ પ્રતિભાશાળી ગણાવીને પ્રશંસા કરી અને વ્હાઈટ હાઉસ બોલાવવાની તૈયારી પણ દર્શાવી.
ટ્રમ્પે આ ઐતિહાસિક વાટાઘાટને અપેક્ષાથી વધુ બહેતર ગણાવી અને જેના ઉપર હસ્તાક્ષર થયા તે દસ્તાવેજને પણ વ્યાપક કહ્યો.
કિમ જોંગે આ મંત્રણા પછી કહ્યું હતું કે તેમણે ભૂતકાળને પાછળ છોડી દેવાનો નિર્ણય કર્યો છે અને હવે દુનિયા મોટા બદલાવ જોઈ શકશે.
ઉત્તર કોરિયાનાં નિ:શત્રીકરણની પ્રક્રિયા ખૂબ જલ્દી શરૂ થશે.
ચીને આ મંત્રણાને ઐતિહાસિક ગણાવી તો દક્ષિણ કોરિયાએ પણ આ મંત્રણાને સદીની સૌથી મહત્ત્વની વાટાઘાટ કહી.
 
ટ્રમ્પનું એલાન, દક્ષિણ કોરિયા સાથે સૈન્યાભ્યાસ બંધ કરાશે
સિગાપોર, તા. 12 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે ઐતિહાસિક વાતચીત બાદ જણાવ્યું હતું કે અમેરિકા કોરિયાઈ પ્રાયદ્વીપમાં સૈન્ય અભ્યાસ બંધ કરી દેશે.
ટ્રમ્પે કહ્યું કે અમે સૈન્ય અભ્યાસ બંધ કરી દેશું  જેનાથી ઘણી માત્રામાં ધનની બચત થશે. તેમણે કહ્યું કે તેઓ સૈન્ય અભ્યાસ બંધ કરવા માટે એટલે સહમત થયા છે કેમકે તેઓ તેને ઉશ્કેરણીજનક માને છે.
તેમણે એમ પણ કહ્યું કે તેઓ દક્ષિણ કોરિયામાં તૈનાત અમેરિકી સૈનિકોને પણ પરત બોલાવવા માગે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer