736 ખેલાડી ભાગ લેશે:53ના ખાતામાં જ વર્લ્ડ કપમાં ગોલ

736 ખેલાડી ભાગ લેશે:53ના ખાતામાં જ વર્લ્ડ કપમાં ગોલ
વર્તમાન વિશ્વ કપમાં જર્મનીનો મૂલર 10 ગોલ સાથે ટોચ પર: મેસ્સીના નામે 5 ગોલ
નવી દિલ્હી, તા.12: ફીફા વર્લ્ડ કપ શરૂ થવા આડે હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે. ફૂટબોલના આ મહાસંગ્રામનો ઇંતઝાર હવે ચરમ પર પહોંચી ગયો છે. વિશ્વના કરોડો લોકો ફૂટબોલના ધૂરંધરોની રમત જોવા અને ટોચની ટીમો વચ્ચેની કાંટે કી ટક્કર જોવા માટે અધિરા બન્યા છે. ફીફા વર્લ્ડ કપમાં આ વખતે 736 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે અને તેમના વચ્ચે ગોલ્ડન બૂટ એવોર્ડ જીતવાની હરીફાઇ પહેલા મેચથી જ શરૂ થઇ જશે. આ વખતે જે 736 ખેલાડી ભાગ લઇ રહ્યા છે તેમાંથી માત્ર પ3 ખેલાડીઓના નામે જ વર્લ્ડ કપમાં ઓછામાં ઓછો એક ગોલ બોલે છે. 2018ના વર્લ્ડ કપમાં ચેમ્પિયન જર્મનીની ટીમનો સ્ટ્રાઇકર થોમસ મૂલર સર્વાધિક 10 ગોલ સાથે પહેલા નંબર પર છે. એ પછી કોલંબિયાનો ખેલાડી જેમ્સ રોડ્રિગ્સ છે. તેના નામે વિશ્વ કપમાં કુલ 6 ગોલ છે. આ પછી આર્જેન્ટિનાનો સુપરસ્ટાર લિયોનલ મેસ્સી, ગોંજાલો હિગુઅન, ઉરૂગ્વેનો લૂઇસ સુઆરેજ અને ઓસ્ટ્રેલિયાનો ટિમ કાહિલ છે. આ તમામના ખાતામાં પ-પ ગોલ છે.
વિશ્વ કપમાં સૌથી વધુ ગોલનો વિશ્વ વિક્રમ પણ જર્મન ખેલાડીના નામે છે. મિરોસ્લાવ ક્લોસાએ ફીફા વર્લ્ડ કપના 24 મેચમાં કુલ 16 ગોલ કર્યા છે. તેના પછી બ્રાઝિલનો રોનાલ્ડો છે. તેના નામે 19 મેચમાં 14 ગોલ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer