રાહુલ ગાંધી સમાજના ભાગલા પાડવા માગે છે : આરએસએસ

રાહુલ ગાંધી સમાજના ભાગલા પાડવા માગે છે : આરએસએસ
નવી દિલ્હી, તા. 24 : કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી હંમેશાં પોતાનાં પ્રવચનોમાં ભાજપ, વડા પ્રધાન અને આરએસએસની આલોચના કરતા હોય છે. તામિલનાડુમાં તાજેતરમાં હિંસાચાર થયો અને ત્યાર બાદ થયેલી ફાયરિંગ માટે તેમણે અસત્યનો આશરો લઈને આરએસએસને જવાબદાર ઠરાવી દીધો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સહ-સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈદ્યે આજે અત્રે બહાર પાડેલા એક નિવેદનમાં રાહુલ ગાંધીના આ વક્તવ્યને બેજવાબદાર ગણાવીને તેની તીવ્ર આલોચના કરી હતી.
ડૉ. વૈદ્યે જણાવ્યું હતું કે, ભાગલાવાદી રાજકારણ રમતા પક્ષોને ભારતીય જનતાએ નકારી દીધા છે અને ગુમાવેલો ટેકો પાછો મેળવવા બેબાકળી બની ગયેલી કૉંગ્રેસ અને તેના પ્રમુખ રાહુલ ગાંધી સમાજનું વિભાજન કરવા માગે છે.
તેમણે જણાવ્યું હતું કે, ભારતના લોકો જાતિ, ક્ષેત્ર, સંપ્રદાયની ઓળખથી ઉપર આવી સંગઠિત બને તે માટે આરએસએસ રાષ્ટ્રહિતનાં અનેક કાર્યો કરે છે. રાહુલ ગાંધી જે મામલાઓમાં આરએસએસનો કોઈ પણ સંબંધ ન હોય ત્યાં પણ તેની ટીકા કરતા રહ્યા છે, જે તેમનાં પ્રવચનોમાં વારંવાર જોવા મળે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer