અંતે તુતીકોરિન પ્લાન્ટ બંધ

અંતે તુતીકોરિન પ્લાન્ટ બંધ
પ્રદૂષણ બોર્ડના આદેશ બાદ વીજ-જોડાણ કપાયું: 32500 કર્મી પર સંકટ
નવી દિલ્હી/તુતીકોરિન, તા. 24 : તામિલનાડુના તુતીકોરિનમાં વિરોધ પ્રદર્શન પછીની હિંસામાં 11 લોકોના જીવ ગયા હતા, જ્યારે ફરીથી ભડકેલી હિંસામાં પણ વધુ બે મોત થયાં હતાં. દરમ્યાન તામિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તુતીકોરિન વેદાંતાના યુનિટ સ્ટરલાઇટ કોપર પ્લાન્ટને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો છે. ગુરુવારે સવારે પ્લાન્ટનું વીજળી જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. મશીનરીને બંધ કરવાના આદેશ બુધવારે બોર્ડના અધ્યક્ષ દ્વારા જારી કરવામાં આવ્યા હતા.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્લાન્ટને વીજ પુરવઠો ગુરુવારે સવારે 5.15 વાગ્યે કાપી નાખવામાં આવ્યો હતો.ટીએનપીસીબીએ કહ્યું હતું કે, 18મી મે અને 19મી મેના પોતાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણ દરમ્યાન એવું જાણવામાં આવ્યું હતું કે, એકમ પોતાના ઉત્પાદન સંચાલનને ફરીથી શરૂ કરવા માટે ગતિવિધિ કરી રહ્યું હતું. તુતીકોરિનમાં એક સ્ટરલાઇટ કોપર કારખાનાને બંધ કરવાની માંગને લઇને થયેલા હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધી 13 લોકોનાં  મોત થઇ ચૂક્યાં છે અને હિંસા ફેલાવવાના આરોપ હેઠળ 65 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.દરમ્યાન, આ પ્લાન્ટ બંધ?થવાની અસર હેઠળ 32,500થી વધુની નોકરી પર અસર પડી છે.

પલાનીસ્વામીએ ર્ક્યો પોલીસ પગલાનો બચાવ
 તમિળનાડુના તુતીકોરીનમાં સલામતી દળો સાથેની અથડામણમાં 12 જણા માર્યા ગયા બાદ રાજયના મુખ્યમંત્રી ઈકે પલાનીસ્વામીએ આજે પોલીસનો બચાવ કરતા જણાવ્યું હતું કે જયારે કોઈ તમને મારેફટકારે  ત્યારે કુદરતી રીતે જ તમે તમારો બચાવ કરશો, કોઈએ કંઈ પૂર્વઆયોજિત ઢબે પેશ નથી આવ્યું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer