સતત નવમા દિવસે પાક દ્વારા સીમાએ ગોળીબાર

સતત નવમા દિવસે પાક દ્વારા સીમાએ ગોળીબાર

જમ્મુ, તા. 24 : પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરમાં યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર જારી રાખ્યો છે. જેનાં કારણે સરહદ પર હવે વિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે. કોઇ પણ ઉશ્કેરણી વગર પાકિસ્તાને ગોળીબાર કર્યો છે. બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ ભારે ગોળીબાર કર્યો છે. ભારતીય જવાનોએ પણ જોરદાર જવાબી કાર્યવાહી કરી છે. બુધવારે મોડી રાત્રે અને આજે વહેલી પરોઢે ઉરી સેક્ટરના કમલકુટ વિસ્તારમાં પાકિસ્તાની જવાનોએ ગોળીબાર કર્યો હતો. જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં ગઇકાલે બુધવારના દિવસે વધુ ચાર લોકોનાં મોત થયાં હતાં. પાકિસ્તાન તરફથી અવિરત ગોળીબારનાં કારણે દહેશતમાં રહેલા સરહદી ગામોના 40000થી વધુ લોકોને અન્યત્ર સુરક્ષિત સ્થળે ખસી જવાની ફરજ પડી છે. શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાની ફરજ પડી રહી છે. 
 
અંકુશરેખા પર ધમધમી રહેલા સાત આતંકી તાલીમ કેમ્પ
ભારતમાં આતંક મચાવવા માટે અંકુશરેખા પેલેપાર અનેક ત્રાસવાદી કેમ્પો ચાલી
રહ્યા છે. હાલમાં એલઓસી પાર સાતથી વધુ ટ્રાનિંગ કેમ્પ ચાલી રહ્યા છે. લશ્કરે તોયબા વૈશ્વિક આતંકવાદી સંગઠન તરીકે છે. 2017માં દુનિયાભરના જુદા જુદા ક્ષેત્રોમાંથી 450થી વધુ યુવાનોની ભરતી કરવામાં આવી ચૂકી છે. ભારત વિરોધી ઓપરેશન માટે તાલીમ આપવામાં આવી રહી છે. સંગઠનના બુરહાન વાનીના નામ પર 15થી 25 વર્ષના યુવાનોની ભરતી થઇ રહી છે. આ યુવાનોને હથિયાર ચલાવવા અને બ્લાસ્ટ કરવાની તાલીમ અપાઈ રહી છે.
 
છત્તીસગઢમાં વધુ એક આઈઈડી બ્લાસ્ટ: કમાન્ડો શહીદ
રાયપુર,  તા. 24: છત્તીસગઢના સુકમા જિલ્લામાં  જંગલ પાસેના પુસવાડા ગામે નકસલીઓએ ગોઠવેલા આઈઈડીનો આજે સવારે ધડાકો થતાં પેટ્રોલિંગ કરી રહેલા સીઆરપીએફના એલિટ કોબ્રા બટાલીઅનના સબઈન્સ્પેકટરનું મૃત્યુ થયું હતું અને એક અન્ય જવાનને ઈજા થઈ હોવાનું  પોલીસે જણાવ્યું હતું. રોડ ઓપનિંગ પાર્ટીએ તિમલીવાડાથી દોરનાપાલ વચ્ચે કારવાઈ હાથ ધરી છે. સુરક્ષાકર્મીઓએ પુસવાડા પાસેના જંગલને કોર્ડન કર્યું હતું. તે વેળા માઓવાદીઓએ ગોઠવી રાખેલા આઈઈડીનો ધડાકો થયો હતો.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer