રાજકોટમાં એક જ પરિવારના નવ સભ્યોનો આત્મવિલોપનનો પ્રયાસ

રાજકોટમાં એક જ પરિવારના નવ સભ્યોનો આત્મવિલોપનનો પ્રયાસ
રાજકોટ, તા. 24: રાજકોટ શહેરમાં જમીનના મુદ્દે બસપાના પૂર્વ જિલ્લા પ્રમુખ અને તેના પરિવારના નવ સભ્યે સામૂહિક આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. નવા રેસકોર્સ રીંગ રોડ પાસે શરીર પર કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કરનાર ચાર મહિલા સહિત નવેયની પોલીસે અટકાયત કરી હતી.
બસપાના પૂર્વ જિલ્લા પ્રમુખ મહેશ મનસુખભાઇ પરમાર અને તેના પરિવારજનોએ જમીનના મુદ્દે નવા દોઢસો ફુટના રીંગ રોડ પર પરશુરામ મંદિર નજીક સામુહિક આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. આ ચીમકીના પગલે પોલીસ કાફલો મંદિર પાસે પહોંચી ગયો હતો. મહેશ પરમાર અને તેના કુટુંબના નવ સભ્ય શરીર પર કેરોસીન છાંટીને આત્મવિલોપન કરે તે પહેલા એ નવેયની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે મહેશ પરમાર, રીટા મહેશ પરમાર, ગીરીશ મનસુખભાઇ પરમાર, સુરેશ સોમાભાઇ, મુકેશ રાજાભાઇ, સોમાભાઇ આણંદભાઇ, હેમુબહેન સોમાભાઇ, હંસાબહેન દિનેશભાઇ અને આશા સોમાભાઇની અટકાયત કરી હતી.
પોલીસની પુછપરછમાં મહેશ પરમારે એવું જણાવ્યું  હતું કે, રૈયા સર્વે નં. 318ની ખેતીની જમીન 1966-67ની સાલથી તેમના પુર્વજો  પાસે છે. આ જમીન પર ખેતી કરવામાં આવે છે. આમછતાં આ જમીન તેમની પાસેથી લઇ લેવામાં આવી છે. આ જમીન અંગે કોર્ટમાં કેસ પેન્ડીંગ છે. આમ છતાં કલેકટર સહિતના તંત્ર દ્વારા નવા દોઢસો ફુટના રીંગરોડ પાસે આવેલી આ જમીન સ્વામિનારાયણ સંપ્રદાય સંસ્થાને આપી દીધી છે.એટલુ જ નહી પણ આ જમીન પર બળજબરીથી કબજો કરી લેવામાં આવ્યો છે.આ લોકો અમારી જમીન નહી છોડો તો અમારા કુટુંબના 20 સભ્ય સામુહિક આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપી હતી. આ ચીમકીના ભાગરૂપે તેના પરિવારના સભ્યો નવા દોઢસો ફુટના રીંગ રોડ પર કેરોસીન સાથે ગયા હતાં અને શરીર પર કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો પણ પોલીસે તેઓની અટકાયત કરી હતી. પરમાર પરિવારના નવ સભ્યની અટકાયત કરતી વખતે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer