પાક.સામે ઈંગ્લેન્ડનો ધબડકો : પ્રથમ દાવ 184 રને સમેટાયો

પાક.સામે ઈંગ્લેન્ડનો ધબડકો : પ્રથમ દાવ 184 રને સમેટાયો

લંડન, તા. 24 : ઈંગ્લેન્ડના લોર્ડસના મેદાનમાં આજે ઈંગ્લેન્ડ પાકિસ્તાન વચ્ચે શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ શરૂ થઈ હતી. જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટીંગ પસંદ કરી હતી. મેચમાં શરૂઆતથી જ ઈંગ્લેન્ડનું પ્રદર્શન નબળું રહેતા ચોથી ઓવરે જ પહેલી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ એલેસ્ટર કુક સિવાયનો ટોપ ઓર્ડર રન બનાવવામાં નિષ્ફળ સાબિત થયો હતો. એક તરફ એલેસ્ટર કુકે છેડો સાચવીને 148 બોલમાં 70 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત જોની બેરસ્ટો(27)અને બેન સ્ટોક્સ(38)એ ઈંગ્લેન્ડને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સમગ્ર ટીમ પ્રથમ દાવમાં 58.2 ઓવરમાં 184 રન કરીને સમેટાઈ હતી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ અબ્બાસ અને હસન અલીએ વેધક બોંિલંગનું પ્રદર્શન કરી 4-4 વિકેટ ખેડવી હતી.
 
કુકે સળંગ 153 ટેસ્ટ રમી એલન બોર્ડરના રેકોર્ડની બરાબરી કરી
 ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને સલામી બેટધર એલેસ્ટર કુકે સતત 153મો ટેસ્ટ મેચ રમીને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરના રેકોર્ડની બરાબરી કરી છે. પાકિસ્તાન સામે લોર્ડસમાં શરૂ થયેલી ટેસ્ટ કુકની સળંગ 153મી ટેસ્ટ મેચ છે. કુકે 2006માં ભારત સામે નાગપુરમાં પદાર્પણ કર્યું હતું અને મેચમાં સદી પણ ફટકારી હતી. જો કે બિમાર પડવાના કારણે શ્રેણીની છેલ્લી ટેસ્ટ ગુમાવવી પડી હતી. ત્યાર બાદ એલેસ્ટર કુકે ઈંગ્લેન્ડ તરફથી સળંગ ટેસ્ટ મેચ રમી છે. જેમાં 12 હજારથી વધુ રન ફટકાર્યા છે. બોર્ડરે જ્યારે પોતાની 153મી ટેસ્ટ મેચ રમી હતી ત્યારે 38 વર્ષના હતા. જ્યારે કુક અત્યારે 33 વર્ષનો છે. બોર્ડરે કુકની સિદ્ધિ મામલે કહ્યું હતું કે, તેઓને ખ્યાલ નહોતો કે કોઈ સળંગ 153 ટેસ્ટ રમીને રેકોર્ડની બરાબરી કરી શકશે. કુકની આ સિદ્ધિ ઉલ્લેખનિય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer