રાજકોટમાં ભાજપના બક્ષીપંચના આગેવાન પર ખૂની હુમલો

રાજકોટમાં ભાજપના બક્ષીપંચના આગેવાન પર ખૂની હુમલો
રાજકોટ, તા. 24: રાજકોટ શહેરમાં ભાજપના બક્ષીપંચના આગેવાન પર ખૂની હુમલો થયો હતો. પોલીસની પરવા કર્યા વગર બુટલેગરોએ સરાજાહેર વામ્બે આવાસ યોજનાના પ્રમુખ અને બક્ષીપંચના આગેવાન વિજયપરી ભીખુપરી ગોસ્વામી પર છરીથી ખૂની હુમલો કર્યો હતો.
કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે આવેલ વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા અને આવાસ યોજનાના પ્રમુખ અને ભાજપના બક્ષીપંચના વિજયપરી ભીખુપરી ગોસ્વામીને ગઇરાતના એકાદ વાગ્યાના સુમારે ગંભીર ઇજા સાથે સારવારમાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેના શરીર પર તિક્ષ્ણ હથિયારના પંદર જેટલા ઘા ઝીંકાયા હતાં.વામ્બે આવાસ યોજનાના પ્રમુખ પર હુમલો થયાની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં  વિજયપરી/વિભાગીરી ભીખુગીરી ગોસ્વામી, નવીનચંદ્ર તુલસીદાસ વિઠ્ઠલાણી, તેના બે પુત્ર ધવલ અને નિકુંજ વગેરે ગઇરાતના  એકાદ વાગ્યાના સુમારે આવાસ યોજનામાં આવેલા મહાદેવના મંદિરના ઓટલા પર બેઠા હતાં.ત્યારે કવાર્ટરમાં જ રહેતાં રાજુ ઉર્ફે ડીમ્પલ કૃષ્ણમોરારી યાદવ, સંદીપ ઉર્ફે સેન્ડી રમેશભાઇ ખેર ત્યાં આવ્યા હતાં અને વિજયપરીને તુ કેમ દારૂનો ધંધો બંધ કરાવવા માટે પોલીસમાં અરજી કરે છે તેમ કહીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આથી વિજયપરીએ રાજુ યાદવને એક ઝાપટ મારી દીધી હતી. બાદમાં તે જતા હતા ત્યારે પાછળની રાજુ યાદવ હાથમાં છરી લઇને દોડયો હતો અને તેની સાથે સંદીપ ઉર્ફે સેન્ડી ખેર પણ છરી લઇને દોડયો હતો. એ બન્નેએ વિજયપરી/વિભાગીરીને મારીના નાખવાના ઇરાદે છરીથી હુમલો કર્યો હતો અને વિજયપરીના પેટ, હાથ, પગના ભાગે છરીના પંદર જેટલા ઘા મારી દીધા હતાં. આ બનાવ નજરે જોનાર નવીનચંદ્ર વિઠ્ઠલાણીએ તાકીદે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયાનું ખુલ્યું હતું.પોલીસે નવીનચંદ્ર વિઠ્ઠલાણીની ફરિયાદ પરથી રાજુ યાદવ અને સંદીપ ઉર્ફે સેન્ડી ખેર સામે હત્યાના પ્રયાસ સહિતના આરોપસરનો ગુનો નોંધ્યો હતો. બાદમાં એ બન્નેને ઝડપી લેવા માટે દરોડાનો દોર શરૂ કર્યો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરમાં પોલીસની કોઇ ધાક રહી ન હોય તેમ લુખ્ખાઓ દ્વારા સરાજાહેર આતંક મચાવીને હુમલો કરવામાં આવે છે. એકાદ માસ પહેલા કસ્તુરબા રોડ પર વેપારીની કારમાં તોડફોડ કરીને હુમલો કરાયો હતો. ફરિયાદી અને સાક્ષીને રક્ષણ આપવામાં પોલીસ નિષ્ફળ રહી હોય તેવી છાપ ઉભી થઇ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer