નિપાહ ગુજરાત, પાંચ રાજ્યો એલર્ટ

નિપાહ  ગુજરાત, પાંચ રાજ્યો એલર્ટ
નવી દિલ્હી, તા. 24 : કેરળમાં 12થી વધુ લોકોનો ભોગ લઈ ચૂકેલો જીવલેણ નિપાહ વાયરસ દેશના અન્ય ભાગોમાં ફેલાતો હોવાના અહેવાલો બાદ ગુજરાત સહિત દેશના પાંચ અન્ય રાજ્યોમાં પણ એલર્ટ જારી કરાયો છે. કેરળના કોઝીકોડ  જિલ્લાના સૂપ્પીકકાડા ગામના વાલાચુકેટ્ટીલ કુટુંબમાં નિપાહ વિષાણુથી વધુ એક સભ્યનો ભોગ લેતાં આ વિષાણુના ચેપથી થયેલી ખુવારી આંક બાર થયો છે.
આ ખતરનાક વાયરસથી હડકંપ વચ્ચે ગુજરાત ઉપરાંત જમ્મુ અને કાશ્મીર, ગોવા, રાજસ્થાન તેમજ તેલંગાણામાં એલર્ટ જારી કરી દેવાયો છે. બીજીતરફ,હિમાચલ પ્રદેશના એક ગામમાં પણ નિપાહ જેવા જ એક કેસના વાવડ મળી રહ્યા છે. નાહન ગામની એક સરકારી શાળાના પરિસરમાં 20 ચામાચીડિયા મૃત હાલતમાં મળી આવ્યા છે.
આ અંગે માહિતી મળતાં જ આખા રાજ્યમાં ભયની લાગણી ફેલાઈ હતી અને તબીબોની ટીમે ધસી જઈને તપાસ, સારવાર શરૂ કરી દીધી હતી.
પ્રશાસન પણ સાબદું બની ગયું હતું. જિલ્લા કલેક્ટર અમલદારો સાથે જાતે ધસી ગયા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
બીમાર બાળકોને શાળાઓમાં નહીં મોકલવાની સલાહ પણ અપાઈ હતી. જોકે વન તંત્રના અધિકારીઓએ અહીં કોઈ આવો વાયરસ ફેલાયો નહીં હોવાની સ્પષ્ટતા કરી હતી.
તબીબોએ આ જીવલેણ નિપાહ વાયરસથી થતી બીમારીથી બચવા માટે ખજૂર અને તેના વૃક્ષમાંથી નીકળતા ફળો, રસના સેવનની સલાહ આપી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer