90 ફૂટનો ડુંગર બને તેટલી માટી અને કાંપ રાજકોટ જિલ્લામાં જ કઢાયા

90 ફૂટનો ડુંગર બને તેટલી માટી અને કાંપ રાજકોટ જિલ્લામાં જ કઢાયા

રાજકોટ: જળસંગ્રહ થકી જળશક્તિનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા આરંભવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ રાજકોટ જિલ્લામાં જળાશયોને ઉંડા ઉતારવાની કામગીરી યુદ્ધનાં ધોરણે કરવામાં આવી છે. ગુજરાત દિનથી શરૂ કરવામાં આવેલા આ અભિયાનને એક પખવાડિયુ પૂર્ણ થયું છે. આ પંદર દિવસ દરમિયાન એક ડુંગર બની જાય એટલી માટી, કાંપ કાઢવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 88456 ટ્રેકટર ભરી શકાય એટલી માટી કાઢવામાં આવી છે. માટી ભરવા માટે જિલ્લામાં 1452 ટ્રેકટર કામે લાગ્યા છે.
સુજલામ સુફલામ જળ અભિયાનનાં એક પખવાડિયા બાદની સ્થિતિ પર દૃષ્ટિપાત કરીએ તો ખ્યાલ આવશે કે કેટલી ઝડપથી જળાશયો ઉંડા ઉતારવાની કામગીરી થઇ રહી છે. રાજકોટ જિલ્લામાં 505 કામોને આવરી લેવામાં આવ્યા છે. તે પૈકી 324 કામો ચાલુ છે. જ્યારે 152 કામો પૂર્ણ થઇ ગયા છે. પૂર્ણ થયેલા કામો પાછળ અત્યાર સુધીમાં રૂ. 80.28 લાખનો ખર્ચ થવા પામ્યો છે.
જેમાંથી રૂ. 78.75 લાખનો ખર્ચ સહકારી, સ્વૈચ્છિક સંસ્થાએ વહન કર્યો છે. એટલે કે, લોકભાગીદારીથી 88 કામો પૂર્ણ થયા છે. જિલ્લા સહકારી બેંક, રાજકોટ ડેરી, ગોંડલ માર્કેટીંગ યાર્ડ સહિતની ખેડૂતલક્ષી સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક આગેવાની લીધી છે. લોકભાગીદારીથી કુલ 266 કામો કરવાનું આયોજન છે.
જળાશયોમાંથી કાઢવામાં આવેલા કાંપની વિગત જોઇએ તો અત્યાર સુધીમાં 265396 લાખ ઘન મીટર માટી કાઢવામાં આવી છે. માટીનાં આટલા જથ્થાને જો સો બાય સો મિટરના બેઝ ઉપર એક જગ્યાએ એકત્ર કરવામાં આવે તો 90 ફૂટ ઉંચો ડુંગરો બની જાય એવું તજજ્ઞોનું માનવું છે. આટલી માટી જો એક ટ્રેકટર દ્વારા ફેરા કરવામાં આવે તો 88456 ફેરા કરવા પડે. કેમ કે, એક ટ્રેકટરમાં ત્રણ ઘન મિટર માટી સમાય શકે છે.
મનરેગા હેઠળ 6233 શ્રમિકોને જળ અભિયાન હેઠળ કામગીરી આપવામાં આવી છે. એ જ રીતે 51.15 કિલોમીટર લંબાઇની નહેરોની સફાઇ કરવામાં આવી છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા 1318 એરવાલ્વની ચકાસણી, મરામત કરવામાં આવી છે.
વન વિભાગ દ્વારા તેના ક્ષેત્રમાં આવેલા 16 પૈકી 10 ચેકડેમોને ઉંડા ઉતારવાની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. જ્યારે પાંચ ચેકડેમોને ઉંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નેત્રદીપક કામગીરી કરાઇ છે. તેમાં ય ખાસ તો આજી નદીનું શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે. તદ્ઉપરાંત નવા રેસકોર્સ ખાતે અટલ સરોવરનું કામ પૂરપાટ ગતિથી ચાલી રહ્યું છે. રાજકોટ શહેરને દોઢસો વર્ષ બાદ નવું સરોવર મળી રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer