આજથી અધિક માસ: વિવિધ ધાર્મિક કાર્યક્રમના આયોજન

આજથી અધિક માસ: વિવિધ ધાર્મિક કાર્યક્રમના આયોજન

રાજકોટ: તારીખ 16મીથી અધિક માસ શરૂ થશે. ધાર્મિક સહિતના સ્થળો, મંદિરોમાં વિશેષ ધ્યાન, પૂજા વગેરેનું આયોજન થયું છે, તેનું સંકલન આ મુજબ છે:
ગીતા વિદ્યાલય
જંકશન પ્લોટ ખાતે ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સેવાપ્રવૃત્તિઓ થશે. પ્રતિદિન સાંજે 5 થી 7 મહિલા સત્સંગ મંડળના ભજન સત્સંગ તથા કથાવાંચન થશે. નિત્ય પૂજા આરતી, દર્શનનો ધર્મલાભ થશે. તબીબી સહાય અર્થે તા. 18 અને તા. 25ના રોજ સાંજે 5 થી 6 નિ:શુલ્ક સત્ય સાઇ ક્લિનિકમાં વિનામૂલ્યે નિદાન-સારવાર કેમ્પ યોજાશે. 27મી સુધી હોમિયોપેથિક નિદાન-સારવાર કેમ્પ ચાલનાર છે. તા. 1 જૂનથી શૈક્ષણિક સહાય અર્થે તદ્દન રાહત દરે ફૂલસ્કેપ ચોપડાઓનું વિતરણ થશે.
જીવનનગર
રૈયા રોડ, બ્રહ્મસમાજ સામે, અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ પાછળ, જીવનનગર શેરી નં. 4માં રામેશ્વર મહાદેવ મંદિરમાં તા. 16 મેથી તા. 13મી જૂન સુધી પુરુષોત્તમ માસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન છે.
આખો મહિનો સવારથી રાત્રિ સુધી પૂજા, અર્ચના, ધ્યાન, સત્સંગ, ગંગા દશહરા, ભગવાનની પ્રદક્ષિણા, દીપમાલા, ભજન, ધૂન, શણગાર સહિત ભક્તિ-ભાવથી ઉજવણી કરવામાં આવશે. તા. 22મીએ દુર્ગાષ્ટમી, તા. 24મીએ ગંગા દશહરા પુરા, તા. 25મીએ એકાદશી, તા. 29મીએ વ્રતની પૂનમ, તા. 1લી જૂને સંકટચોથ, તા. 10મી જૂને એકાદશી, તા. 12મીએ શિવરાત્રી, બુધવાર તા. 13મીએ અધિક માસ પૂરો થવાથી દિવસભર ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવશે.
રતનપર
મોરબી રોડ પર રતનપર પાસેના શ્રીરામ ચરિત માનસ મંદિરમાં પૂજન-દર્શન, આરતી, સત્સંગ વગેરેનું આયોજન છે. મહિલા સત્સંગ મંડળ, સખી મંડળ, ભજન મંડળ એમ બહેનોના વિવિધ મંડળો પોતાના ગ્રુપના બહેનો સાથે વનભોજન (વનેડો) કરવા માટે મંદિર-બગીચો ધાર્મિક સ્થળ વગેરે સ્થળોએ જતા હોય છે. આવા ભાવિક મંડળો માટે અધિક માસમાં રામચરિત માનસ મંદિરે આખો માસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બહેનોના મંડળોને ચા-પાણી, મિષ્ટ ભોજન પ્રસાદની વ્યવસ્થા મંદિર તરફથી થશે. શુકલ પૂર્ણિમાએ રામમંદિરે વ્રતની પૂનમ ભરવાનું આયોજન થશે. જેમાં શ્રી સત્યનારાયણની કથાનું આયોજન થશે. રાજકોટથી રામમંદિર આવવા-જવા માટે ત્રિકોણ બાગથી સિટી બસ નં. 9, 10, 45, 46, 55 ઉપલબ્ધ છે.
“ભાગવત ભજનાવલી’’
ભાગવત મિશન ટ્રસ્ટ તરફથી સૌ સત્સંગી પોતાનાં ઘર બેઠાં એકલા કે સમૂહમાં સત્સંગ, ધૂન, ભજન, કિર્તન કરી શકે તે માટે ભાગવતાચાર્ય રતિભાઇ પુરોહિત સંપાદિત “ભાગવત ભજનાવલી’’ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તિકામાં ભાગવત પ્રાર્થના, ગોવિંદ દામોદર સ્તોત્ર, ગીતાપાઠ, કૃષ્ણાષ્ટક, મધુરાષ્ટક, ભાગવત પાઠ, ભાગવત ચાલીસા, ભાગવતરૂપી આંબો, મા - બાપને ભૂલશો નહીં, અંજલિ પ્રાર્થના, ધોળ, કિર્તન, ધૂન, ભજન, થાળ, આરતી વગેરે ચુમાલીસ પાનામાં જુદા જુદા છત્રીસ પાઠો આપવામાં આવ્યા છે. આ પુસ્તિકા વિનામૂલ્યે મેળવવા રતિભાઇ પુરોહિત ‘ભાગવત’, એ/84, આલાપ ગ્રીન સિટી, રૈયા રોડ ખાતે સંપર્ક કરવો.
સંકિર્તન મંદિર
પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત સંકિર્તન મંદિરે અધિક માસ દરમિયાન વિવિધ ઉત્સવો અંતર્ગત બુધવાર તા. 16ના રોજ ભાવનગર નિવાસી ગૌરાંગી દેવીજીના દિવ્ય સત્સંગ તથા વિશેષ સમૂહ સંકિર્તનનો કાર્યક્રમ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer