ઢેબર રોડ પર મંદિર સહિત 10 દબાણ હટાવતી મનપા

ઢેબર રોડ પર મંદિર સહિત 10 દબાણ હટાવતી મનપા

રાજકોટ, તા.15 : શહેરના વોર્ડ નં.7માં ઢેબર રોડ પર માર્જીનમાં થયેલા દબાણો તેમજ ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે મનપા દ્વારા આજે વન વીક વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં 10 સ્થળે દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.
ટીપીઓ સાગઠિયાના જણાવ્યાનુસાર વોર્ડ નં.7માં ઢેબર રોડ પર એ ડિવીઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી વર્ષો જૂની કેબીન અને તેની આસપાસ થયેલું ઓટાનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે તેમજ પીજીવીસીએલ સબ સ્ટેશન પાસે થયેલું છાપરાનું દબાણ તોડી પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત જ્યુબેલી ચેમ્બરના માર્જિનમાં થયેલી દીવાલનું બાંધકામ તેમજ બે લારી તથા એક ટેબલનું દબાણ દૂર કરાયું છે એ જ રીતે એલઆઈસી બિલ્ડીંગ સામે નડતરરૂપ લારીઓ દૂર કરવામાં આવી હતી.
આ ઉપરાંત જ્યુબેલી ગાર્ડનના દરવાજામાં કરવામાં આવેલા ઓટા તથા થળાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું તેમજ નવકાર ચેમ્બર દ્વારા પાર્કિંગના સ્થાને કરવામાં આવેલી રેલીંગ હટાવવામાં આવી હતી. નવકાર ચેમ્બરની બાજૂમાં ફૂટપાથ પર એક મંદિર દૂર કરાયું હતું. પંચનાથ ટી-સ્ટોલ પાસેથી ઓટાનું બાંધકામ તેમજ નિર્ભય પાન પાસેથી ઓટાનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer