સ્વામિનારાયણ મંદિર પાસેનો રસ્તો ફરી બ્લોક !

સ્વામિનારાયણ મંદિર પાસેનો રસ્તો ફરી બ્લોક !

વાહનચાલકોનો સમય અને ઈંધણનો વેડફાટ કરી પારાવાર પરેશાન કરવાની તંત્રની નીતિ
રાજકોટ, તા.15 : મનપા અને પોલીસ તંત્રએ શહેરના ગૌરવપથ પરથી ચાલનારા દરેક વાહનચાલકોને હેરાન કરવાનું જ મન બનાવી લીધુ હોઈ તેવું લાગી રહ્યું છે. કાલાવડ રોડ પર કે.કે.વી. ચોક પાસે સર્જાતી ટ્રાફિક જામની સ્થિતિ, અંડરબ્રિજમાં ચોમાસામાં ભરતા વરસાદી પાણી બાદ સ્વામિનારાયણ મંદિર સર્કલ નજીકના ડિવાઈડર ક્યારેક ખુલ્લા તો ક્યારેક બંધ રાખીને વાહનચાલકોને રીતસર પરેશાન જ કરવામાં આવી રહ્યાં છે.
અગાઉ  ટ્રાફિક બ્રાન્ચે બન્ને ડિવાઈડરને સિમેન્ટ બ્લોક અને બેરિકેટ્સ મૂકીને બંધ કરી દેતા જબરો વિરોધ ઉઠયો હતો અને આસપાસની સોસાયટીના રહીશો મનપા કચેરી સુધી રજૂઆત અર્થે દોડી ગયાં હતાં. બાદમાં બન્ને પેકી એક ડિવાઈડરમાં વચ્ચે લોખંડના પોલ મૂકી તેમાંથી માત્ર રાહદારીઓ જ પસાર થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી જ્યારે બીજું ડિવાઈડર વાહનચાલકો માટે ખુલ્લુ મૂકી દેવામાં આવ્યું હતું. જો કે, ફરી આ ડિવાઈડર બંધ કરી દેવાતાં વાહનચાલકો પરેશાન થઈ ગયાં હતાં તેઓ માટે ટાગોર રોડ થઈને કાલાવડ રોડથી આઝાદ ચોક જવાનો વિકલ્પ મરી પરવર્યો હતો.
સૌથી વધુ સમસ્યા સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગમાં રહેતા સોસાયટીધારકો માટે સર્જાઈ હતી. ટાગોર રોડ અથવા તો કિશાનપરા ચોકથી પરત આવતી વખતે નાછૂટકે તેઓને પોતાના ઘરે પહોંચવા માટે કોટેચા ચોક સુધી વાહન હંકારવું પડયું હતું. રસ્તો બ્લોક કરી દેવાતાં કે.કે.વી થઈને આવતા વાહનચાલકોને અહી નજીકમાં જ આવેલા પેટ્રોલ પંપમાં પેટ્રોલ પૂરાવવા માટે નાછૂટકે કોટેચા ચોકથી રોંગસાઈડમાં પોતાનું વાહન હકારવું પડયું હતું જેના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે. ડિવાઈડર બંધ કરી દેવાતા માત્ર લોકોનો સમય જ નહીં પરંતુ ઈંધણનો પણ વેડફાટ થાય છે.
શું કહે છે ટ્રાફિક બ્રાન્ચ ?
દરમિયાન આ અંગે ટ્રાકિક શાખાના અધિકારીઓનો સંપર્ક સાધતા તેઓએ એકબીજા પર ખો દેવાનું શરૂ કર્યુ હતું. ડાયવર્ઝન કોણે બંધ કરાવ્યું એ અમોને ખબર નથી તેમ કહીને જવાબદારીમાંથી હાથ ખંખેર્યા હતાં તેમજ કોઈપણ રસ્તો વન-વે કરવો કે, ડાયવર્ઝન બંધ કરવું તેના તમામ નિર્ણયો પોલીસ કમિશનર લે છે તેમજ આ ડાયવર્ઝન બંધ કરવા બાબતે પોલીસ કમિશનરને જાણ હશે તેવો જવાબ આપવામાં આવ્યો હતો. પોલીસ કમિશનરનો સંપર્ક સાધતા ફોન રિસીવ થયો ન હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer