બોટાદમાં રૂ. 9.30 લાખની લૂંટ

વેપારીને રિવોલ્વર અને
છરી બતાવી બંધક બનાવીને
ચાર શખસે લૂંટ કરી
બોટાદ, તા. 15:  બોટાદમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસીને લૂંટ કરવાનો બનાવ બન્યો હતો. પાળિયાદ રોડ પર સ્વસ્તિક સોસાયટીમાં રહેતાં સોની વેપારી તુષારભાઇ સુરેશભાઇ સિધ્ધપુરાના ઘરમાં ઘૂસીને રિવોલ્વર અને છરીની અણીએ બંધક બનાવીને રહેમાન સહિતના ચાર શખસ રૂ. ચાર લાખની રોકડ સહિત કુલ રૂ. 9.30 લાખની મતા લૂંટી ગયા હતાં.
વખારિયા ચોકમાં બાલકૃષ્ણ જ્વેલર્સના નામે સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરતા તુષારભાઇ સિધ્ધપુરા સવારે પોણા નવ વાગ્યાના સુમારે ઘેર હતા ત્યારે અગાઉ તેના મકાનમાં પીઓપીનું કામ કરી ગયેલો રહેમાન અને ત્રણ અજાણ્યા શખસ આવ્યા હતાં. પીઓપીનું કામ જોવા માટે આવ્યાની વાત કરી હતી. આથી તેને ઉપરના માળે પીઓપીનું કામ જોવા માટે લઇ જવાયા હતાં. આ સમયે રહેમાન સાથે રહેલા એક શખસે રિવોલ્વર કાઢી હતી અને બીજા છરી કાઢી હતી અને ઘરમાં જે કાંઇ રૂપિયા અને દાગીના હોય તે આપી દેવાનું કહ્યું હતું. ઘરમાં કાંઇ ન હોવાનું કહેતા એ શખસોએ તુષારભાઇ અને તેના પુત્ર અનિકેતના હાથપગ બાંધી દીધા હતાં. બાદમાં પુત્રી પ્રિયાંશીને લઇ આવીને બધાને મારી નાખવા પડશે તેવી ધમકી આપી હતી. બાદમાં તુષારભાઇને તેના બેડરૂમમાં લઇ જવામાં આવ્યા હતાં. રૂમમાં રાખેલ કબાટ અને નાની તિજોરીમાંથી રૂ. ચાર લાખની રોકડ રકમ, રૂ. 4.80 લાખના સોના, ચાંદીના દાગીના અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 9.30 લાખનીમતા લૂંટીને કારમાં નાસી ગયા હતાં. સવારના પહોરમાં લૂંટ થયાની જાણ થતાં એસપી સજ્જનસિંહ પરમાર, ઇન્સ. જે.એમ. સોલંકી સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને જુદી જુદી ટીમ બનાવીને લૂટારૂઓને ઝડપી લેવા પ્રયાસ શરૂ કર્યા હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer