માળિયામિંયાણા પાસે ટ્રક ચાલકની હત્યા કરી લૂંટ

અમદાવાદથી ટ્રક લઇને ઉત્તરપ્રદેશનો ચાલક માળિયા
તરફ આવતો હતો ત્યારે વાધરવા ગામ પાસે બનેલી ઘટના
માળિયામિંયાણા, તા.15: અહીંના હળવદ હાઇ - વે પરના વાધરવા ગામ પાસે ટ્રક ચાલક સુખરામ પાલને બેફામ માર મારીને હત્યા કરીને લૂંટી લેવાયો હતો. જ્યારે તેની સાથે ક્લિનરને બાંધી દેવાયો હતો.
જામનગરની ટ્રાન્સપોર્ટ કંપનીનો ટ્રક લઇને સુખરામ પાલ અને ક્લિનર અમદાવાદથી માળિયા તરફ આવી રહ્યા હતા ત્યારે વાધરવા ગામ પાસે વાહનોમાં આવેલા નવ શખસે ટ્રકને આંતર્યો હતો અને ટ્રકના ક્લિનરને બાંધી દીધો હતો. જ્યારે ચાલક સુખરામ પાલને બેફામ માર મારીને તેની પાસેથી રોકડ રકમ લૂંટી લીધી હતી. માર પડવાના કારણે ગંભીર રીતે ઘવાયેલા ચાલકનું મૃત્યુ નીપજતાં બનાવ લૂંટ સાથે ખૂનમાં પરિણમ્યો હતો.
આ બનાવની જાણ થતાં મોરબીના ડીવાયએસપી બી.ડી. જોષી સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. ટ્રકચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો અને લુટારુઓને ઝડપી લેવા નાકાબંધી કરાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ વિસ્તારમાં આઇસર અને ટ્રક ડ્રાઇવર, ક્લિનરને માર મારીને લૂંટ ચલાવવાની બે ઘટના બની હતી. તેના આરોપીના કોઇ સગડ પોલીસ મેળવી શકી નથી ત્યાં લૂંટ વિથ મર્ડરની ઘટના
બની હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer