રાજકોટમાં આંખમાં મરચાની ભૂકી છાંટી રૂ. સવા છ લાખની લૂંટ

કારના શો - રૂમના કર્મચારી
પાસેથી બે શખસ રોકડ સાથેનો
થેલો લૂંટી ગયા: સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ
રાજકોટ, તા.15:  ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે કારના શો - રૂમના કર્મચારી દિલીપભાઇ શાંતિભાઇ ચૌહાણને આંતરીને આંખ પર મરચાની ભૂકી છાંટીને રૂ. 6.24 લાખની રોકડ રકમ સાથેનો થેલો લૂંટીને બે શખસ એક્ટિવા સ્કૂટર પર નાસી ગયા હતા. લુટારુઓને ઝડપી લેવા માટે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
મહેશ્વરી સોસાયટીમાં રહેતો અને ગોંડલ રોડ પર હુન્ડાઇ કંપનીની કારના શો - રૂમમાં નોકરી કરતો દિલીપભાઇ ચૌહાણ સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે કંપની પરથી રૂ. 6.24 લાખની રોકડ રકમ થેલામાં લઇને ડો. યાજ્ઞિક રોડ પર આવેલ એચડીએફસી બેંકમાં ભરવા માટે બાઇક પર રવાના થયો હતો. પોણા બાર વાગ્યાના સુમારે તે ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે પહોંચ્યો હતો ત્યારે પાછળથી એક ડબલસવારીવાળું એક્ટિવા આવ્યું હતું. તેના બાઇકની આડે સ્કૂટર નાખીને તેને આંતર્યો હતો. તે કાંઇ સમજે તે પહેલા એક્ટિવાની પાછળ બેઠેલા શખસે ડાબા ગાલ પર બે ઝાપટ મારી દીધી હતી. બાદમાં તેની આંખ પર મરચાની ભૂકી છાંટીને બે પગ વચ્ચે રાખેલ રોકડ રકમ સાથેનો થેલો લૂંટી લઇને એ બંને શખસ નાસી ગયા હતા. એ બંનેને પકડી પાડવા માટે દિલીપભાઇએ પીછો પણ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. બાદમાં બનાવ અંગે દિલીપભાઇએ તેના શેઠ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ધોળા દિવસે સતત ધમધમતા રહેતા ગોંડલ રોડ પર લૂંટનો બનાવ બનતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને તપાસાર્થે બનાવ સ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળેથી મરચાની ભૂકી મળી આવતા લૂંટ થયાની વાતને સમર્થન મળ્યું હતું. લૂંટ કરીને નાસી ગયેલા શખસોની ભાળ મેળવવા માટે આઇ-વે પ્રોજેક્ટ હેઠળ લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરવાનું શરૂ કરાયું છે. કારના શો રૂમથી માંડીને લૂંટની ઘટના બની ત્યાં સુધીના વિસ્તારના ફૂટેજ એકત્ર કરીને તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં તપાસ ચાલુ હોવાનું જણાવાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer