વંથલી નજીક કાર ઉંધી પડતાં રાજકોટનાં ટ્રાન્સપોર્ટરનું મૃત્યુ

વંથલી નજીક કાર ઉંધી પડતાં રાજકોટનાં ટ્રાન્સપોર્ટરનું મૃત્યુ
ખ્યાતનામ કટારિયા ટ્રાન્સપોર્ટના પારસભાઈના મૃત્યુથી ગમગીની
જૂનાગઢ, તા. 15: જૂનાગઢ જિલ્લાનાં વંથલી નજીક કાર ઉંધી પડતા રાજકોટનાં ટ્રાન્સપોર્ટ સંચાલકનું મૃત્યુ થયું હતું અને પરિવારનાં બે સભ્યોને નાની મોટી ઇજા પહોંચી હતી. આ બનાવથી રાજકોટના ટ્રાન્સપોર્ટ જગતમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.
રાજકોટનાં બીગ બજાર સામે એટલાન્ટીક બિલ્ડીંગમાં રહેતા અને બાલાજી વેફર્સના સેલ્સ ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામકાજ સંભાળતા તથા કટારિયા ટ્રાન્સપોર્ટ ધરાવતાં પારસભાઇ વલ્લભભાઇ કટારિયા (ઉ. 43) ગઇકાલે પોતાની રેન્જ રોવર કાર નં. જી.જે.3 કે.મીર્ચ. 9090માં માણાવદરના ઝાંપોદડ ગામે ભાગવત સપ્તાહમાંથી પરત ફરી રહ્યા હતાં. વંથલીનાં નરેડી પાસે કાર પરનો કાબુ ગુમાવતા કાર રોડ નીચે ઉતરી ઉંધી પડી હતી. તેમાં પારસભાઇને ગંભીર ઇજા પહોંચતા તાકીદે સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.  મૃતક પારસભાઇ મૂળ જૂનાગઢનાં વતની હતા. તે બે ભાઇ અને એક બહેનમાં બીજા નંબરનાં હતા. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કટારિયા પરિવાર દ્વારા ઝાંપોદડ ગામે સપ્તાહ રાખવામાં આવી હતી. આ ઘટનાથી કડવા પટેલ પરિવારમાં શોક છવાઇ ગયો છે અને પુત્ર તથા પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer