કપાસિયા ખોળમાં મહામંદી

કપાસિયા ખોળમાં મહામંદી
તેલમીલો-સ્ટોકિસ્ટો મુશ્કેલીમાં : એક મહિનામાં ખોળ 20% કરતા વધારે ઘટયો: ભેળસેળને લીધે વપરાશ તળિયે
રાજકોટ, તા.1પ: કપાસિયા ખોળમાં ભારેખમ મંદીને લીધે સ્ટોકિસ્ટોની આર્થિક સ્થિતિ તો બગડી જ છે, તેલ મિલો પણ મુશ્કેલીમાં આવી ગઇ છે. ખોળમાં અતિશય થઇ રહેલી ભેળસેળને લીધે વપરાશ 70 ટકા ઘટી ગયો છે તેની અસર ખોળના ભાવ ઉપર પડી છે. પાછલા એક માસમાં ખોળના ભાવ 20 ટકા કરતા વધારે તૂટી ગયા છે, એમાં હજુ ય મંદી અટકે એમ નથી તેમ અભ્યાસુઓ કહે છે.
સૌરાષ્ટ્રમાં  50 કિલો ખોળનો ભાવ એક મહિના પૂર્વે રૂ. 850-900 જેટલો હતો. એના વર્તમાન સમયે રૂ. 700-725 અનબ્રાન્ડેડમાં અને રૂ. 750-775 બ્રાન્ડેડમાં થઇ ચૂક્યાં છે ! છતાં ખોળનો ઉઠાવ બહુ જ ઓછો છે. કડીનો ખોળ 60 કિલો રૂ. 900 હતો તે રૂ. 780માં મળી રહ્યો છે.
સૌરાષ્ટ્ર કપાસિયા-ખોળ ફટક દલાલ એસોસીએશનના પ્રમુખ અવધેશભાઇ સેજપાલ કહે છે, એક સમય હતો કે દૂધાળા ઢોરને ખોળ ખવરાવવામાં આવતો હતો પરંતુ ત્રણ-ચાર વર્ષમાં ભેળસેળનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે હવે પશુપાલકોએ ખોળ જાણે ત્યજી દીધો છે. ખોળમાં કપાસિયા છાલા, મીઠું, લાકડાંનો વહેર, ચોખા-ઘઉંની કુશકી, લિગ્નાઇટની માટી અને કેટલાક હાનિકારક કેમિકલ્સનો પણ ઉપયોગ થાય છે. આશ્ચર્યની વાત એ છેકે આવો ખોળ થોડાં પ્રમાણમાં બજારમાં ચાલે પણ છે.
જોકે સમજુ પશુપાલકોએ રાજદાણ અને મીક્સદાણ ખવરાવવાનું ચાલુ કરી દીધું છે. તેમાં ચણા, મકાઇ તથા ઘઉંનું ભૂસું, કઠોળ વગેરેનું મીક્સ દાણ બનાવવામાં આવે છે. પશુનું દૂધ પણ આવા પ્રકારના દાણથી
વધે છે.
જોકે ખોળમાં ભેળસેળનું દુષણ થવાને લીધે આખો ઉદ્યોગ ખલાસ થઇ રહ્યો છે. તેલ મિલોને તાળા લાગી રહ્યા છે તો સ્ટોક કરનારા પણ ફસાઇ ગયા છે. કપાસિયા ઉપર પણ તેની અસર થઇ છે. કપાસિયાના ભાવ એક માસ પહેલા રૂ. 385-395 હતા તેના રૂ. 345-365 થઇ ગયા છે. હજુ તેમાં રૂ. 10 સુધી ઘટાડાની શક્યતા છે.
ખોળની ખપત ઘટી જવાને લીધે અત્યારે તો ગુજરાતમાં 45 લાખ ગુણી જેટલો સ્ટોક થઇ ગયો છે. ગયા વર્ષમાં 70 લાખ ગુણી સ્ટોક હતો. માગ ઓછી છે એટલે ખોળની અછત વર્તાય એવી શક્યતા ઓછી છે. બીજી તરફ કપાસિયાનો સ્ટોક ગયા વર્ષમાં 25 હજાર ગાડી હતો તે આ વર્ષે 11 હજાર ગાડી છે. અવધેશભાઇ ઉમેરે છેકે, કપાસના રૂપમાં કપાસિયાનો સ્ટોક ઘણો છે. જિનો હજુ ચાલુ છે એટલે જિનોમાંથી બહાર આવતા કપાસિયા વપરાઇ રહ્યા છે પરિણામે સ્ટોકના માલનો ઉઠાવ ખૂબ ધીમો છે.
ખોળ અને કપાસિયાની મંદીને લીધે કપાસિયા પીલાણ કરનારી મિલોની સ્થિતિ બગડી ગઇ છે. ગુજરાતભરમાં 1100 જેટલી મિલો છે તેમાંથી 150-200 જેટલી જ મિલો ચાલુ છે. છતાં ખોળનો નિકાલ થતો નથી એટલે મુશ્કેલી વધતી જાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer