1.67 કરોડની જૂની નોટ મુક્તાનંદ સ્વામીની

1.67 કરોડની જૂની નોટ મુક્તાનંદ સ્વામીની
ભેંસાણના રાણપુરમાં આશ્રમ: જૂની રદ્દ નોટ અંગે ઇન્કમટેક્ષ અને સેન્ટ્રલ આઇબીએ પણ તપાસમાં ઝૂકાવ્યું
રાજકોટ, તા. 15: રાજકોટમાંથી પકડાયેલ રૂ. 1.67 કરોડની જૂની રદ્ થયેલી ચલણી નોટનું પગેરું ભેંસાણના રાણપુર ગામ સુધી પહોંચ્યું છે. રાણપુરના મુક્તાનંદ સ્વામી પાસેથી જૂની રદ્ થયેલી નોટ મેળવવામાં આવ્યાનું પ્રકાશમાં આવ્યું છે. આ સ્વામીને નોટિસ આપીને હાજર થવા સૂચના અપાઇ છે. બીજીતરફ જૂની નોટ અંગે ઇન્કમટેક્ષ અને સેન્ટ્રલ આઇબીએ તપાસમાં ઝૂકાવ્યું છે.
ગઇકાલે શાત્રી મેદાન સામે સૂચક સ્કૂલ પાસેથી જૂનાગઢના વંથલી રોડ પર મધુરમ ટીંબાવાડી વિસ્તારના કર્મચારી નગરમાં રહેતા એચડીએફસી બેંકના કર્મચારી કમલ મુકેશભાઇ ભટ્ટ તથા અહીં મવડી ચોકડી પાસેની માટેલ સોસાયટીમાં રહેતા અને સુથારી કામ કરતાં અશોક પ્રેમજીભાઇ છાયાને રૂ. 1.67 કરોડની જૂની રદ્ થયેલી નોટ સાથે એસઓજીની ટીમે ઝડપી લીધા હતા. એસઓજીના ઇન્સ. ગડ્ડુ, સબ ઇન્સ. ઓ.પી. સીસોદિયા અને તેમના મદદનીશો આર.કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા, અનિલસિંહ ગોહીલ વગેરેએ ઇન્કમટેક્ષ ખાતાને જાણ કરી હતી. પોલીસ અને ઇન્કમટેક્ષના અધિકારીની પૂછપરછમાં ભાંગી પડેલા કમલ ભટ્ટે જૂનાગઢના ભેંસાણ પાસેના રાણપુર ગામે રહેતા મુક્તાનંદ સ્વામીના પરીચયમાં આવ્યો હતો અને મુક્તાનંદ સ્વામીએ તેની પાસે રૂ. પોણા બે કરોડ જેવી જૂની રદ્ થયેલી નોટ પડી છે તેનો ગ્રાહક શોધીને નિકાલ કરી આપવા અને કમિશન પેટે મોટી રકમ આપવાની વાત કરી હતી. મુક્તાનંદ સ્વામીની વાતમાં આવી ગયો હતો અને સ્વામી પાસેની રદ્ થયેલી નોટનો જથ્થો લઇને રાજકોટ આવ્યો હતો. રાજકોટની માટેલ સોસાયટીમાં રહેતા તેના મિત્ર અશોક છાયા મારફતે જૂની રદ્ નોટના બદલામાં નવી નોટ આપી શકે તેવી વ્યક્તિની શોધ આદરી હતી. દરમિયાન પોલીસના હાથમાં ઝડપાઇ ગયાની કબૂલાત આપી હતી. આ વિગતના આધારે પોલીસે રાણપુરના મુક્તાનંદ સ્વામીને નોટિસ કરીને જવાબ રજૂ કરવા માટે પોલીસમાં હાજર થવા સૂચના કરી હતી. ઇન્કમટેક્ષ ઉપરાંત સેન્ટ્રલ આઇબીની ટીમે પણ તપાસમાં ઝૂકાવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer