રૂપાણીની કેબિનેટમાંથી નીતિન પટેલને પડતા મુકાશે ?

રૂપાણીની કેબિનેટમાંથી નીતિન પટેલને પડતા મુકાશે ?
  રાજ્યના મંત્રીમંડળમાં ફેરફારની સંભાવના: લોકસભાની ટિકિટ આપવાની વાત કરી પટેલને મનાવી લીધાની ચર્ચા
(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા.1પ: કેન્દ્રમાં મોદી સરકારના પ્રધાનમંડળમાં ફેરબદલ બાદ હવે ભાજપના મોવડીમંડળે આગામી 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને ગુજરાતના પ્રધાનમંડળમાં ફેરફાર કરવાનો નિર્ણય લઇ લીધો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પ્રધાનમંડળમાંથી પડતા મુકવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો હોવાની ચર્ચા છે.  સૂત્રોના કહેવા પ્રમાણે આ અંગે સત્તાવાર રીતે નીતિન પટેલને પણ જાણકારી આપી દેવામાં આવી હોવાનું પણ કહેવાય છે. જો કે નીતિન પટેલને પ્રધાનમંડળમાંથી ખસેડી ક્યા સ્થાન ઉપર બેસાડવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ આ સંદર્ભમાં બે જુદા જુદા કારણોની ચર્ચા છે, જેમાં વિજય રૂપાણીની સરકાર રચાયા પછી ખાતાની ફાળવણીમાં નીતિન પટેલે ત્રાગું કર્યુ હોવાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નારાજ થયા હતા જેના પરિણામ સ્વરૂપ તેમને હવે પડતા મુકવામાં આવે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. જ્યારે બીજા કારણમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં નીતિન પટેલને ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા હોવાનું જણાવી નીતિન પટેલને પ્રધાનમંડળમાંથી રાજીનામું આપવા માટે મનાવી લેવામાં આવ્યા હોવાનું પણ કહેવાય છે. 
લોકસભાની ચૂંટણીને જ્યારે એક વર્ષનો સમય રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના હોમ ગ્રાઉન્ડની સ્થિતિને સુધારવામાં લાગી ગયા છે. વિજય રૂપાણીને સત્તાનું સુકાન બીજી વખત સોંપ્યા પછી નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં વિજય રૂપાણી ભાજપ તરફી મતબેન્કને જાળવી રાખવામાં ક્યાંક કાચા પડી રહ્યા હોવાનું કેન્દ્રીય નેતાઓ માની રહ્યા છે, જો કે પ્રધાનમંડળમાં સંભવિત ફેરફારમાં મુખ્યપ્રધાનને બદલવામાં આવે તેવી કોઇ સંભાવના જણાતી નથી. બીજી તરફ ભાજપ અધ્યક્ષ અમિત શાહનું પીઠબળ વિજય રૂપાણીને હોવાને કારણે રૂપાણીને વાંધો આવે તેમ નથી, તેવું સૂત્રોનું કહેવું છે. પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પ્રધાનમંડળમાંથી જવું નિશ્ચિત હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત ભાજપના પ્રધાનમંડળ અને સંગઠનમાં પણ સાથે જ ફેરફાર થશે, 2019ની ચૂંટણીને ધ્યાનમાં લઇ પ્રધાનમંડળમાંના કેટલાક નેતાઓને ખસેડી સંગઠનમાં મુકાશે, જ્યારે સંગઠનના કેટલાક નેતાઓને પ્રધાનમંડળમાં લઇ જવાય તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer