ભાવનગર: ભાજપના અગ્રણી યુવા બિલ્ડરનું અપહરણ

કાળિયાબીડમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા: ચારમાંથી એક અપહરણકાર ઝડપાયો
ભાવનગર, તા. 15: ભાવનગરમાં ભાજપનાં અગ્રણી એવા બિલ્ડરનું ચાર શખસો મોટરકારમાં આવી અપહરણ કરી જતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ કાળિયાબીડમાંથી અપહૃતનો છૂટકારો કરાવ્યો હતો.
ભાવનગરમાં ગુનાખોરી માઝા મુકી રહી છે હજુ ગઇ રાત્રે જ આંગડીયા પેઢીનાં પુત્ર ઉપર ફાયરીંગ કરી રૂા. 5 લાખની લૂંટ થયાનો બનાવ બનવા પામ્યો હતો અને આરોપી હજુ ઝડપાયા નથી ત્યાં આજે શહેરનાં ક્રેસન્ટ સર્કલ નજીક બિલ્ડરનું અપહરણ થતાં ચકચાર સાથે સનસનાટી મચી જવા પામી છે.
મળતી વિગતો મુજબ શહેરનાં ક્રેસન્ટ સર્કલ નજીક આવેલા ત્રિપલ-1 રેસ્ટોરન્ટ નજીક સ્કૂટર ઉપર જઇ રહેલા ભાજપનાં અગ્રણી અને બિલ્ડર યેગેશભાઇ બાલાશંકર ધાંધલિયા (ઉ. 50)નું મારૂતિવાન નં. જીજે4બીઇ 605માં આવેલા મોં ઉપર રૂમાલ બાંધેલા ચાર શખસોએ યોગેશભાઇને જબરદસ્તીથી મારૂતિવાનમાં બેસાડીને અપહરણ કર્યું હતું.
આ બનાવની જાણ થતાં જ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પી.આઇ. ઇસરાણી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. એલ.સી.બી. એસ.ઓ.જી.નો કાફલો પણ દોડી ગયો હતો. પોલીસે ક્રેસન્ટ વિસ્તારનાં સીસી ટીવી કેમેરાનાં ફૂટેજ ચકાસી અપહરણકર્તાઓ અંગે જાણકારી મેળવી અપહરણકર્તાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.
દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે શહેરનાં કાળિયાબીડ વિસ્તારમાં અપહરણકર્તાઓ છૂપાયા હોવાની બાતમી મળતાં પોલીસે ત્યાં દોડી જઇ અને છાપો મારતાં અપહૃત યોગેશભાઇ ઇજાગ્રસ્ત અને અર્ધ બેહોશ મળી આવ્યા હતા. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
દરમિયાન પોલીસે ચાર અપહરણકર્તા પૈકી એકને દબોચી લીધો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer