કર્ણાટકમાં કોને તક? વજુભાઈ વાળા પર મીટ

કર્ણાટકમાં કોને તક? વજુભાઈ વાળા પર મીટ
ત્રિશંકુ લોકચુકાદો, કોઈને બહુમત નહીં : ભાજપને 104, કોંગ્રેસને 78 અને જેડી-એસને 38 બેઠક : ગોવા, મણિપુરનાં કડવા અનુભવનો બદલો લેવા કોંગ્રેસે જેડી-એસને બિનશરતી ટેકો આપી દીધો ા ભાજપે કોંગ્રેસ જેવી ભૂલ ટાળી પહેલા દાવો કરી દીધો ા હવે નિર્ણય રાજ્યપાલનાં હાથમાં
 
બેંગ્લુરુ, તા.1પ : લોકસભાની 2019ની ચૂંટણીનાં સેમીફાઈનલ તરીકે જોવામાં આવી રહેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં આજે જાહેર થયેલા પરિણામોએ ભારે રોમાંચક અને રહસ્યમય સ્થિતિ સર્જી દીધી છે. એક તરફ 104 બેઠક સાથે ભાજપ સૌથી મોટો પક્ષ ઉપસી આવ્યો છે તો બીજીબાજુ 78 બેઠકો સાથે સમેટાઈ જનાર કોંગ્રેસે માત્ર 38 બેઠકો મેળવનાર જેડી(એસ)ને બિનશરતી ટેકો જાહેર કરીને ભાજપનાં મોઢે આવેલો સત્તાનો પ્યાલો ઝૂંટવી લેવાનો મજબૂત પ્રયાસ કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ-જેડી(એસ)નાં ગઠબંધને રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને સરકાર રચવાનાં દાવા કરી દીધા છે ત્યારે હવે તેઓ કોને સરકાર રચવાનું આમંત્રણ આપે છે તે જોવું રસપ્રદ બની રહેશે. જો કે બિનસત્તાવાર અહેવાલો અનુસાર વજુભાઈ ભાજપનાં મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર બી.એસ.યેદીયુરપ્પાને સરકાર બનાવવા માટે પ્રથમ તક આપે તેવી શક્યતા છે અને શપથગ્રહણ સમારોહ 17મી મેનાં રોજ યોજાય તેવી સંભાવના છે.
------
પળેપળ પલટાતું ચિત્ર
આજે ચૂંટણીનાં પરિણામોની જાહેરાતનાં આરંભે ત્રિશંકૂ સ્થિતિની આગાહી કરનારા તમામ એક્ઝિટ પોલને ખોટા પાડીને ભાજપ સ્પષ્ટ બહુમત ભણી ધસમસતો જોવા મળ્યો હતો અને ભાજપની છાવણીમાં ઉજવણીનો દોર પણ શરૂ થઈ ગયો હતો. જો કે અડધા ચૂંટણી પરિણામો બાદ ચિત્ર પલટાયું હતું અને અંદાજ અનુસાર જ જેડી(એસ) કિંગમેકરની ભૂમિકામાં આવી જશે તે સ્પષ્ટ થવા લાગ્યું હતું. પરિણામોનાં અંતે 222 બેઠકોમાંથી ભાજપને 104 બેઠકો મળી હતી અને 112નાં જાદુઈ આંકડાથી તેને થોડું જ છેટું રહી ગયું હતું. બીજીબાજુ કોંગ્રેસ 78 અને જેડી(એસ) 38 બેઠકો ઉપર સમેટાઈ ગયા હતાં. જો કે કોઈ પક્ષને સ્પષ્ટ બહુમત ન મળતાં મિશ્ર પરિણામો આવ્યા હતાં અને રાજ્યમાં સરકાર રચવા માટે તોડજોડની દોડધામ શરૂ થઈ ગઈ હતી.
------------
કિંગમેકર જ કિંગ !
ગોવા અને મણિપુરમાં સૌથી મોટો પક્ષ બનવા છતાં સત્તાથી વંચિત રહેલા કોંગ્રેસે આ વખતે કર્ણાટકમાં આવી કોઈ ગફલતમાં રહ્યા વિના ભાજપ સામે તેનો જ દાવ અજમાવવાનો મોટો પ્રયાસ કર્યો હતો. પરિણામોનો પ્રવાહ સ્પષ્ટ થવા સાથે જ દિલ્હીમાં સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકાની તાકીદની બેઠક મળી હતી અને પછી કોંગ્રેસે પોતાનાં ટોચના નેતાઓને કર્ણાટક દોડાવી દીધા હતાં અને ગુલામ નબી આઝાદે જનતાદળ-એસનાં કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવાની ઓફર સાથે બિનશરતી ટેકો આપવા દેવગૌડા સાથે વાતચીત કરી લીધી હતી. જેડી-એસ પાસે ભાજપ અને કોંગ્રેસમાંથી એકને પસંદ કરવાનાં બન્ને વિકલ્પો હતાં પણ તેણે કોંગ્રેસની લોભામણી ઓફર સ્વીકારી લઈને સરકાર રચવાનો દાવો કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી. આમ, ત્રિશંકુ સ્થિતિમાં જેનાં હાથમાં સત્તાની ચાવી રહેવાની સંભાવના હતી એ કુમારસ્વામી પોતે જ કિંગ બને તેવા સંજોગો સર્જાઈ ગયા હતાં.
-----------
ભાજપે ન કરી કોંગ્રેસ જેવી ભૂલ
કર્ણાટકનાં પૂરા ચૂંટણી પરિણામો જાહેર થાય તે પૂર્વે જ શરૂ થઈ ગયેલા રાજકીય કાવાદાવા વચ્ચે કોંગ્રેસ અને જેડીએસ રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરે તે પહેલા જ બહુમતમાં માત્ર 8 ઓછી બેઠક ધરાવતો ભાજપ રાજ્યપાલ પાસે પહોંચી ગયો હતો અને સરકાર રચવાનો દાવો પણ કરી દીધો હતો. આના માટે ભાજપે ત્રણ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પ્રકાશ જાવડેકર અને જે.પી.નડ્ડાને દોડાવી દીધા હતાં અને તેમણે પક્ષનાં અધ્યક્ષ અમિત શાહ સાથે મળીને રણનીતિ ઘડી કાઢી હતી. યેદીયુરપ્પાએ સૌથી મોટા પક્ષ હોવાનાં નાતે સરકાર રચવાની પહેલી તક ઝડપી લેતા રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ ઉપર પાછલા બારણેથી સત્તા હડપવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ પણ કર્યો હતો. ત્યારબાદ કોંગ્રેસનો ટેકો ધરાવતા કુમારસ્વામી પણ વજુભાઈને મળ્યા હતાં અને બહુમત ધરાવતા પોતાનાં ગઠબંધનને સરકાર રચવાની તક આપવા દાવો કર્યો હતો. જેને પગલે આખી બાજુ વજુભાઈનાં હાથમાં સરી ગઈ હતી. જો વજુભાઈ ભાજપને સૌથી મોટા અને પહેલા દાવો કરનાર પક્ષ તરીકે ભાજપને તક આપે તો ભાજપને માત્ર 8 બેઠકોની જ ઘટ છે. આના માટે તે જેડી-એસનાં કેટલાક વિધાયકોનાં સંપર્કમાં પણ હોવાનું કહેવાય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer