જામનગરના વકીલ ખૂન પ્રકરણમાં મુંબઈથી પકડાયેલા બે આરોપી 10 દી’ના રિમાન્ડ પર

જામનગરના વકીલ ખૂન પ્રકરણમાં મુંબઈથી પકડાયેલા બે આરોપી 10 દી’ના રિમાન્ડ પર
ખૂન કોણે કર્યું ? કાવતરામાં સામેલ અન્ય કોણ? વગેરેની તપાસ થશે
જામનગર, તા.15 : જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોષીના ખૂન માટે ભૂમાફિયા જયેશ પટેલના કહેવાથી રચાયેલા કાવતરામાં સામેલ બે આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પોલીસે મુંબઈમાંથી ઝડપી લીધા બાદ, આજે તેઓને એસ.પી.પ્રદીપ સેજુળ અને એલ.સી.બી. પી.આઈ. આર.એ. ડોડિયા તથા સ્ટાફ દ્વારા જામનગર લાવવામાં આવ્યા છે. વધુ તપાસ માટે સાંજે તેઓને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
ઉલ્લેખનીય છે કે, જામનગરમાં રણજીતસાગર રોડ ઉપર ઈવાપાર્કમાં આવેલી એક અગ્રણીની રૂા.100 કરોડની જમીન હડપગીરીનો કેસ જયેશ પટેલ સામે વકિલ કિરીટ જોષી લડતા હતાં. પરંતુ જામનગર કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધીની કાનૂની લડતમાં તેના હાથ હેઠા પડયા હતાં. ત્યારબાદ તેની ધરપકડ થતાં એકાદ વર્ષ જેલમાં રહેવું પડયું હતું. કાનૂની લડતમાં મોટુ ખર્ચ સહન કરવું પડયું હતું.
આથી ખાર રાખીને જયેશ પટેલે વકીલ કિરીટ જોષીના ખૂન માટે તેના ડ્રાઈવર મારફત (1) સિમોન લુઈસ દેવીનંદન (ઉ.42) વસઈ ઈસ્ટ, મુંબઈ અને (2) અજય મોહનપ્રકાશ મહેતા (ઉ.38) અંધેરી વેસ્ટ મુંબઈને વકીલનું ખૂન કરવા રૂા.50 લાખની સોપારી આપી હતી.
આ બન્ને શખસોએ ભાડૂતી મારા (કોન્ટ્રાકટ કિલર) રોકયા હતાં.
આ બન્ને કોન્ટ્રાકટ કિલર જામનગરમાં ચાર દિવસ રોકાયા હતાં. ગઈ તા.28 એપ્રિલ 2018ની રાત્રે આશરે 9 વાગાના સુમારે ટાઉનહોલ નજીક જયોત ટાવર પાસે વકીલ કિરીટ જોષી તેમની ઓફિસેથી નીચે ઉતરી તેમની કાર તરફ જતા હતા એ વખતે બે શખસો બાઈક ઉપર આવ્યા હતાં અને તેઓમાંથી એક શખસે છરીના 10 જેટલા ઘા ઝીંકી કિરીટ જોષીનું સરાજાહેર ખૂન કરી બન્ને શખસો બાઈક ઉપર નાસી છૂટયા હતાં.
આ અંગે મૃતકના ભાઈ અને તેમની સાથે વકીલાત કરતા અશોક જોષીએ જયેશ પટેલના કહેવાથી આ ખૂન થયાનું અને આરોપી તરીકે જયેશ પટેલ તથા બે શખસો સામે ખૂનના આરોપ સાથેની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાવી હતી.
આ પછી પોલીસે અનેક દિશામાં તપાસ લંબાવી હતી. સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ પણ તપાસાયા હતાં.પરંતુ ભાડૂતી મારા પકડાયા ન હતાં.
દરમિયાન આ ખૂન કાવતરામાં સામેલ સાતમાંથી બે શખસો મુંબઈમાં હોવાની માહિતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળતા તેની ટીમે મુંબઈમાં તપાસ કરી ઉપરોકત બે આરોપીઓને પકડી પાડયા હતાં. પરંતુ હજુ પોલીસે ખૂનનું કાવતરૂં કયાં રચાયું ? જયેશ પટેલ ઉપરાંત કાવતરામાં સામેલ અન્ય કોણ ? ખૂની કોણ? આ ભાડૂતી મારાઓ જામનગરમાં ચાર દિવસ કયાં રહ્યાં અને ખૂનનો અંજામ કઈ રીતે અપાયો? સમગ્ર કાવતરામાં અન્ય સહયોગીઓ વગેરે અંગે વધુ તપાસ કરવાની તેમજ બાકીના આરોપીઓને પકડવાના હોવાથી આજે સાંજે કોર્ટ સમક્ષ રજૂ કરી 14 દિવસની રિમાન્ડની માંગણી પોલીસે કરી હતી. કોર્ટે 10 દિવસની રિમાન્ડ મંજૂર કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer