રાજકોટમાં લાકડાનું ભૂંસુ, કલર ભેળવી બનતી’તી ડુપ્લીકેટ ચા!

રાજકોટમાં લાકડાનું ભૂંસુ, કલર ભેળવી બનતી’તી ડુપ્લીકેટ ચા!
પરાબજારમાં દર્શન ટી નામની પેઢીમાં ફૂડ-આરોગ્ય શાખાનો દરોડો : 1050 કિલો જથ્થો સીઝ કરાયો
પરાબજારમાં દર્શન ટી નામની પેઢીમાં ફૂડ-આરોગ્ય શાખાનો દરોડો : 1050 કિલો જથ્થો સીઝ કરાયો
રાજકોટ, તા.15 :  ચા પ્રત્યે ચાહના ધરાવનારા રાજકોટવાસીઓ માટે માઠા સમાચાર છે. શહેરમાં નફો કમાવવાની લ્હાયમાં એક પેઢી દ્વારા ચાના નામે લાકડાનુ ભૂસુ, કેમિકલયુક્ત કલર અને વપરાયેલી ચાના ભૂક્કાની ભેળસેળ કરવામાં આવતી હોવાનો પર્દાફાશ મનપાની ફૂડ અને આરોગ્ય શાખાની ટીમે કર્યો હતો.
શહેરના હાર્દસમા તેમજ કોમર્શિયલ વિસ્તાર ગણાતા પરાબજારમાં, ઘી પીઠના ડેલા સામે આવેલા આશ્રમ કોમ્પ્લેક્સમાં પંકજ શશિકાંતભાઈ શાહની માલિકીની દર્શન ટી નામની પેઢી વર્ષ 2005થી કાર્યરત છે. આ પેઢી દ્વારા ચામાં ભેળસેળ કરવામાં આવતી ફરિયાદોને પગલે આજરોજ મનપાની ફૂડ અને આરોગ્ય શાખાની ટીમ ઉપરોક્ત સ્થળે ત્રાટકી હતી. અધિકારીઓના ચેકિંગ દરમિયાન ચાની ભૂકીમાં લાકડાનું ભુસુ, વપરાયેલી ચાની ભૂકી તેમજ કેમિકલયુક્ત કલરની ભેળસેળ થતી હોવાનું ખૂલ્યું હતું. સ્થળ પરથી ચા માં ભેળસેળ કરવા માટે લાકડાનું ભુસુ બનાવવાનું મશીન તેમજ પાવડર બનાવવાનું મશીન પણ મળી આવ્યું હતું.
નાયબ આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડના જણાવ્યાનુસાર ચાની ભૂકીમાં લાકડાના ભૂસાની ભેળસેળ કર્યા બાદ તેને અગાશી પર તડકે સૂકવવામાં આવતી હતી. આ પેઢી દ્વારા રાજકોટ ઉપરાંત ભાવનગર, અમરેલી અને સિંહોરમાં નાના-મોટા વેપારીઓને છૂટક તેમજ જથ્થાબંધ વેચાણ કરવામાં આવતું હતું. આ પેઢી વિવિધ પ્રકારના બ્રાન્ડ નેમ જેમ કે, ગુયાબરી, અલંકાર, ટી-ઓકે, સન્યાસી, બીર જોહરા, તતોપાણી જેવી અલગ-અલગ બ્રાન્ડથી પણ અલગ-અલગ પેઢીઓને ચાનું વેચાણ કરતી હતી.
ડો.રાઠોડે ઉમેર્યુ હતું કે, સ્થળ પરથી પાવડર બનાવવાનું મશીન અને મિક્સિંગ મશીનની સાથે 60 કિલો ભૂસુ, 60 કિલો કેમિકલ કલર, 1050 કિલો ચાની ભૂકી (એવરેજ 30 કિલો બેગ) ઉપરાંત અગાસીમાં સુકવવા માટે રાખવામાં આવેલો ચામાં ભેળસેળ માટેનો પાઉડર તેમજ લીક્વિડ કેમિકલ કલર મળી કુલ 1200 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ પણ હતી કે, પેઢી દ્વારા એક વખત વપરાઈ ગયેલી ચાની ભૂકી પરત મેળવી તેમાં ભેળસેળ તેમજ અન્ય પ્રોસેસ કરીને રિ-સેલ કરવામાં આવતી હતી.
દૂધ બાદ ચાનો કાળો કારોબાર !
રાજ્ય સરકારની સૂચના પગલે તાજેતરમાં સમગ્ર રાજ્યમાં દૂધની ડેરીઓ તેમજ છુટક દૂધનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યાં હતાં અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દૂધમાં ભેળસેળ કરવાનો કાળો કારોબાર સામે આવ્યો હતો ત્યારે હવે ચામાં કેમિકલયુક્ત કલર, લાકડાનું ભૂસુ નાખી તેમજ શહેરની હોટલોમાં વપરાયેલી ભૂકી રૂા.30 કે 40 લેખે ખરીદી કરી આ ભૂકીને રી-પ્રોસિંગ કરીને ડુપ્લીકેટ ચાનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. બ્રાન્ડેડ ચા આજે માર્કેટમાં 400ના કિલો લેખે મળે છે જ્યારે છૂટક ચા રૂા.250 આસપાસ કિલો લેખે વેંચાય છે ત્યારે આ ડુપ્લીકેટ ચા રૂા.110 થી રૂા.150ના કિલેના જથ્થાબંધ ભાવે વેંચવામાં આવતી હોવાનું નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer