પંજાબ અને મુંબઇ વચ્ચે અસ્તિત્ત્વનો જંગ

પંજાબ અને મુંબઇ વચ્ચે અસ્તિત્ત્વનો જંગ
અફઘાન સ્પિનર મુજીબની ઇજાથી પંજાબની ચિંતા વધી
મુંબઇ, તા.1પ : મુંબઇ ઇન્ડિયન્સ અને અચાનક જ ખરાબ ફોર્મમાં ધકેલાઇ ગયેલી ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આવતીકાલ બુધવારે અહીંના વાનખેડે સ્ટેડિયમ પર આઇપીએલ-11માં અસ્તિત્ત્વ બચાવવાની લડાઇ થશે. મુંબઇની ટીમ 12 મેચના અંતે પ મેચ જીતીને 10 પોઇન્ટ ધરાવે છે. આ સામે પંજાબની ટીમ પાછલા પ મેચમાં ચોથી હાર સહન કર્યાં બાદ 12 મેચના અંતે 12 પોઇન્ટ પર અટકી ગયું છે.
પંજાબની ટીમને તેના પાછલા મેચમાં બેંગ્લોર સામે 10 વિકેટે કારમી હાર સહન કરવી પડી છે. આ હાર ભુલીને અશ્વિનની ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. શાનદાર શરૂઆત કરનાર પંજાબની ટીમ બ્રેક બાદ ફોર્મ ગુમાવી ચૂકી છે. ગેલના બેટમાંથી નીકળતા રન પણ બંધ થઇ ગયા છે. એકમાત્ર કેએલ રાહુલ પર પૂરી બેટિંગ લાઇનઅપ નિર્ભર રહે છે. જો કે પાછલા મેચમાં ગેલ અને રાહુલ આરસીબીના ઉમેશ યાદવની શોર્ટ પિચ બોલ પર આઉટ થયા હતા. જે બન્નેની નબળાઇ છે. અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહેમાનનું ઇજાગ્રસ્ત થવું પંજાબ માટે મોટો ફટકો છે. બીજી તરફ અક્ષર પટેલ માટે આઇપીએલની આ સિઝન નિષ્ફળ સાબિત થઇ રહી છે. એકમાત્ર એન્ડ્રૂ ટ્રાય શાનદાર બોલિંગ કરી રહયો છે.
બીજી તરફ મુંબઇને પાછલા મેચમાં રાજસ્થાન સામે હાર મળી હતી. આથી તેની સતત ત્રણ જીત બાદ બ્રેક આવ્યો છે. મુંબઇનો ઇરાદો તેના આખરી બે મેચ જીતવાનો છે. આ માટે ખુદ સુકાની રોહિત શર્માએ બેટિંગમાં આગેવાની લેવી પડશે. તેની નિષ્ફળતા મુંબઇને ભારે પડી રહી છે. જો કે સૂર્યકુમાર અને લુઇસ રન કરી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer