પ્લે ઓફનાં સમીકરણ બદલાયાં

પ્લે ઓફનાં સમીકરણ બદલાયાં

બેંગ્લોર - મુંબઈને લાઇફ લાઇન મળી
નવી દિલ્હી, તા.1પ: વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ગઇકાલના મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 10 વિકેટે મળેલી જીતથી પ્લે ઓફનાં સમીકરણ બદલાયાં છે. પંજાબની આ કારમી હારથી પ્લે ઓફમાં પહોંચવા બીજી ટીમો માટે નવી આશા ઊભી થઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ્સ તો પહેલેથી પ્લે ઓફમાં પહોંચી ચૂકી છે. બાકીના બે સ્થાન માટે હાલ પ ટીમ વચ્ચે હરીફાઇ ચાલી રહી છે.
કોલકતાની ટીમના હાલ 12 મેચમાં 12 પોઇન્ટ છે અને ત્રીજા સ્થાને છે. આજના મેચમાં જો તેને રાજસ્થાન સામે જીત મળશે તો તેના 14 પોઇન્ટ થઇ જશે. રાજસ્થાનના પણ 12 મેચમાં 12 અંક છે. આથી બંને ટીમ માટે આજનો મેચ કરો યા મરો સમાન છે. હારવા પર બંને ટીમ માટે આખરી મેચ જો અને તોની સ્થિતિ પર નિર્ભર રહેશે. હમણાં સુધી પ્લે ઓફમાં નિશ્ચિત મનાતી પંજાબની ટીમ મઝધારમાં અટવાઇ છે. સતત બે હારથી તેની પ્લે ઓફની રેસ અટકી ગઇ છે. તેના નામે પણ 12 મેચમાં 12 પોઇન્ટ છે. પંજાબની ટીમ જો તેના આખરી બે મેચ જે મુંબઈ અને ચેન્નાઇ સામે રમવાના છે તેમાં તેને જીત મેળવવી પડશે. પંજાબની ટીમે રનરેટ પણ સુધારવો પડશે.
મુંબઈ અને બેંગ્લોરની ટીમના 12 મેચના અંતે 10 - 10 પોઇન્ટ છે. પંજાબ સામે 10 વિકેટે મળેલી જીતથી બેંગ્લોરને લાઇફ લાઇન મળી છે અને મુંબઈની આશા પણ પુનર્જીવત બની છે. આ બંને ટીમ જો તેના આખરી બે મુકાબલા જીતે તો તેના અંતમાં 14 - 14 પોઇન્ટ થાય અને નેટ રન રેટ ત્યારે નિર્ણાયક બની રહે. હાલ આરસીબી પ્લસ રન રેટમાં છે અને મુંબઈ માઇનસ રન રેટ સાથે ચાલી રહ્યંy છે. આમ આઇપીએલ - 11ની પ્લે ઓફમાં પહોંચવાની દોડ છેલ્લા લીગ મેચ સુધી ચાલે તેવી રોચક સ્થિતિ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer