કર્ણાટકનાં પરિણામ ઉપર કોણે શું કહ્યું?

કર્ણાટકનાં પરિણામ ઉપર કોણે શું કહ્યું?
આજે કર્ણાટકનાં ચૂંટણી પરિણામો જાહેર થતાં સાથે જ એક તબક્કે ભાજપ માટે જીત આસાન દેખાતાં તમામ એક્ઝિટ પોલ ખોટા પડે તેવી સંભાવના દેખાતી હતી. જો કે જેમ-જેમ પરિણામો સામે આવતાં ગયા તેમતેમ ચિત્ર પલટાયું હતું અને ત્રિશંકુ સ્થિતિ નિર્માણ પામી હતી. ચૂંટણીનાં આ પરિણામો વિશે શીર્ષ નેતાગીરીએ શું પ્રતિક્રિયા આપી તેનાં ઉપર એક ઉડતી નજર.
અમે જેડી(એસ)ને સરકાર રચવા સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. આ રીતે ભાજપને સત્તાથી અળગો રાખવામાં આવશે.
* સિદ્ધારમૈયા, વિદાય લેતા કર્ણાટક મુખ્યમંત્રી
કોંગ્રેસ અને જેડી-એસનું સંખ્યાબળ ભાજપ કરતાં વધી જશે અને અમે સરકાર રચવાનો દાવો કરીશું.
* ગુલામ નબી આઝાદ, કોંગ્રેસ નેતા
જો કોંગ્રેસે ચૂંટણી પૂર્વે જ જેડી-એસ સાથે જોડાણ કરી લીધું હોત તો પરિણામો અલગ, સદંતર અલગ આવ્યા હોત.
* મમતા બેનરજી, પશ્ચિમ બંગાળ મુખ્યમંત્રી
કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીનો આ સતત ત્રીજો પરાજય છે. હવે તમામ વિપક્ષોએ સંગઠિત થઈને લડવું હોય તો પણ આવી જાય. એટલે તમામ કચરો એક ઝાટકે જ સાફ થઈ જાય.
* રાજ્યવર્ધન રાઠોડ, કેન્દ્રીય મંત્રી
રાહુલ ઉગતાં નેતા છે અને 2019ની ચૂંટણી અલગ જ ખેલ બની જશે. બાકી મારા શરીરમાં રક્ત છે ત્યાં સુધી હું તેમની સાથે જ રહીશ.
* નવજોત સિદ્ધુ, કોંગ્રેસ નેતા
કર્ણાટકની જનતાને સુશાસન જોઈએ છે. એટલે જ તેમણે ભાજપને આટલા વધુ મતો આપ્યા છે. કોંગ્રેસ સતત હારી રહ્યો છે.
* પ્રકાશ જાવડેકર, કર્ણાટક ભાજપ પ્રભારી
જો હું જીતું તો મારી સખત મહેનતનું પરિણામ અને હારું તો તમામ જવાબદારી ઈવીએમ મશીનની.
* ઓમર અબ્દુલ્લા, એનસી નેતા
આ સત્ય અને વિકાસની જીત છે. લોકચુકાદો અમારી તરફેણમાં છે.
* રવિશંકર પ્રસાદ, ભાજપ
ભાજપની દક્ષિણ ભણી કૂચનો શુભારંભ
થયો છે.
* રામ માધવ, ભાજપ
રાહુલ ગાંધી હવે ટૂંક સમયમાં જ લંડનમાં સ્થાયી થઈ જાય તો નવાઈ નહી!
* સુબ્રમણ્યમ સ્વામી, ભાજપ નેતા
ચૂંટણી પરિણામોથી
મોદી-શાહ ગદગદ
નવીદિલ્હી, તા. 15: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ મોડી સાંજે ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી જેમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રમુખ અમિત શાહનાં સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંબોધન કર્યું હતું. મોદીએ પાર્ટીના તમામ કાર્યકરો, પક્ષ પ્રમુખ અમિત શાહ અને તમામ નેતાઓનો આભાર માન્યો હતો. મોદીએ કહ્યું હતું કે, કર્ણાટકની ચૂંટણીમાં અભૂતપૂર્વ જીત થઇ છે. મોદીએ આ જીત બદલ તમામ લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, કર્ણાટકની વિકાસની આગેકૂચ યથાવત રીતે જારી રહેશે. કર્ણાટકના લોકોને ખાતરી આપતા મોદીએ કહ્યું હતું કે, કર્ણાટકના વિકાસ માટે અમે કામ કરતા રહીશું. તેમણે ઉમેર્યું હતું કે, કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી જીતવા માટે તમામ પ્રયોગો કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer