સુરતમાં ગેસ ગળતરથી પિતા-પુત્ર સહિત ત્રણનાં મૃત્યુ

પ્રિ-મોન્સુન કામગીરી વખતની ઘટના
સુરત, તા.18: શહેરનાં પીપલોદ વિસ્તારમાં પ્રિ-મોન્સુનની કામગીરી કરવા માટે કામદારો ગટર લાઈનમાં ઉતર્યા હતાં. કોઈપણ પ્રકારનાં લાઈફ સેવિંગ્સ સાધનો વગર ઉતરેલાં કામદાર પિતા-પુત્ર અને લેબર કોન્ટ્રાક્ટરનું ગટર લાઈનમાં ગેસ ગળતરથી ગૂંગળામણ થતાં મૃત્યુ નિપજ્યું હતું.
પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરનાં પીપલોદ વિસ્તારનાં નહેરૂનગરનાં મેઘ-મલ્હાર એપાર્ટમેન્ટ સામે આવેલી ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા માટે સુનિલ રાજુ ડાંગી અને પિતા રાજુ બુજીયા ડાંગી ગટરમાં ઉતર્યા હતાં. પ્રિ-મોન્સુન કામગીરી કરી રહેલાં બન્ને કામદારો કોઈપણ પ્રકારનાં સલામતીનાં સાધનો વગર સફાઈ કામકાજ કરી રહ્યા હતાં. એવામાં અચાનક જ ગટર લાઈનમાં ગેસનું પ્રમાણ વધતાં બન્ને પિતા-પુત્રને ગૂંગળામણ થતાં બેભાન થઈ ગયા હતાં. લેબર કોન્ટ્રાક્ટર પ્રમોદભાઈ બન્ને કામદારોને બચાવવા માટે પોતે પણ ગટર લાઈનમાં ઉતરતાં તેમને પણ ગેસની અસર થઈ હતી. ડાંગી પિતા-પુત્રની સાથે લેબર કોન્ટ્રાક્ટર પ્રમોદભાઈ પણ ગટરમાં ગૂંગળામણ થતાં ઢળી પડયા હતાં. આ બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવીને ત્રણેય લોકોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ગઈ હતી. જો કે, ગૂંગળામણથી બેભાન થયેલાં લોકોને વધુ સારવાર મળે તે પહેલાં જ તેઓનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ઉપસ્થિત તબીબોએ ત્રણેયને મૃત ઘોષિત કર્યા હતાં.
નોંધવું કે, ગટરનાં કામકાજ માટે જ્યારે મજૂરોને ડ્રેનેજ લાઈનમાં ઉતારવામાં આવે છે તે તેઓને સલામતીનાં માસ્ક આપવામાં આવે છે. આ સાથે એક બેકઅપ ટીમ પણ સાથે રાખવાની રહે છે. આમ છતાં કોઈપણ પ્રકારનાં સલામતીનાં સાધનો વગર કોન્ટ્રાક્ટરે બન્ને કામદાર પિતા-પુત્રને ડ્રેનજ લાઈનમાં કામ કરવા ઉતાર્યા હતાં. ગટર લાઈનમાં ગેસનું પ્રમાણ વધી જતાં બન્નેને ગૂંગળામણ થવા લાગી હતી. બહાર જવાનો કોઈ માર્ગ નહી મળતાં બન્ને પિતા-પુત્ર ગટરમાં જ ઢળી પડયા હતાં. ઘટના સ્થળે જ તેમના મૃત્યુ નિપજ્યું હોવાનું તબીબે જણાવ્યું હતું. બન્ને કામદારોને બચાવવાનાં ચક્કરમાં લેબર કોન્ટ્રાક્ટર પણ કોઈ પ્રકારનાં સલામતીનાં સાધનો વગર ગટરમાં ઉતરતાં તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer