જામનગરમાં 37 વીજ ફીડરોની ચોરી કરનાર 3 સભ્યોની ટોળકી ઝડપાઈ

જામનગરમાં 37 વીજ ફીડરોની ચોરી કરનાર 3 સભ્યોની ટોળકી ઝડપાઈ
અગાઉ વીજ તંત્રના કોન્ટ્રાક્ટમાં કામ કરતાં હતાં તેથી ટ્રાન્સફોર્મર કેમ ઉતારવા તેની જાણકારી હતી
જામનગર, તા.18: જામનગરમાં જુદા-જુદા વિસ્તારોમાંથી વીજ ફીડરમાંથી 37 ટ્રાન્સફોર્મરની ચોરી કરવાના આરોપસર એલ.સી.બી. પોલીસે ત્રણ શખસોની ધરપકડ કરી  હતી.
ટ્રાન્સફોર્મરની ચોરી ધરારનગરમાં સલીમ બાપુની મદ્રેસા પાસે રહેતા શબ્બીર વલીશા શેખે પોતાના સાગરિતો રજાક ઉર્ફે રજલો ગનીભાઈ ભટ્ટ તથા હિતેશ છગનભાઈ કોળી સાથે મળી કર્યાની બાતમી મળતા એલ.સી.બી.ના પી.એસ.આઈ. વી.વી.વાગડિયા તથા તેમના સ્ટાફે શબ્બીરના મકાન ઉપર દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પોલીસે ઉપરોક્ત ત્રણેય શખસોની ધરપકડ કરી બે ટ્રાન્સફોર્મરો તથા ટ્રાન્સફોર્મર વેચાણની રકમમાંથી ખરીદ કરેલ એક મોટર સાઈકલ, એક છોટાહાથી વાહન, સોનાનો ચેઈન તથા રોકડ રકમ મળી કુલ રૂ.ચાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પૂછપરછમાં એવું ખૂલ્યું હતું કે તેઓ અગાઉ કોન્ટ્રાક્ટમાં વીજ કંપનીના થાંભલા ફિટ કરવા અને વાયર ખેંચવાનું કામ કરતા હતા. તેથી ટ્રાન્સફોર્મર કઈ રીતે ઉતારી શકાય તેની જાણકારી હતી. આથી પોતાના 4થા સાગરિત ઈમરાન ઈકબાલ સમા સાથે 37 ટ્રાન્સફોર્મરોની ચોરી કર્યાનું અને આ ટ્રાન્સફોર્મરો ખોડિયાર કોલોનીમાં રહેતા ઉમેદ દેવીપૂજક, બેડેશ્વરમાં રહેતા અજીજભાઈ તથા ગણપતનગરમાં રહેતા ગોરધન છગનભાઈ સોલંકીને વેંચ્યા હોવાનું કબૂલ કર્યું હતું.
પોલીસે 4થા આરોપીને પકડવાની અને ચોરાઉ મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer