પગારદાર કરદાતાઓને ITની ચેતવણી

પગારદાર કરદાતાઓને ITની ચેતવણી
આઈટી રિટર્નમાં ઓછી આવક દેખાડનાર પગારદાર સામે થશે કાર્યવાહી
નવીદિલ્હી, તા.18: આવકવેરા વિભાગ દ્વારા નોકરિયાત વર્ગને રિટર્નમાં ગેરકાયદે આવક ઓછી દેખાડવા અને કરવેરાની કપાતો વધારીને દર્શાવવા સામે ચેતવણી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈનાં રિટર્નમાં આવી અસંગત વિગતો સામે આવશે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આવકવેરાનાં બેંગ્લુરુ સ્થિત સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર (સીપીસી) દ્વારા પગારદાર કરદાતાઓને કરરાહતોની લાલચ આપીને રિટર્નમાં ખોટા દાવા કરાવતાં અનૈતિક કરવેરા સલાહકારોથી સાવચેત રહેવા અને તેની દોરવણીથી આવી કોઈ ભૂલ નહીં કરવાની સલાહ પણ આપવામાં આવી છે. આવકવેરા રિટર્નમાં ખોટી જાણકારીઓ આપનાર લોકો માટે ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે આવકવેરાનાં કાયદા હેઠળ આવા ગુના માટે દંડાત્મક જોગવાઈઓ છે.
જાન્યુઆરીમાં બેંગ્લુરુની કંપનીઓમાં આવા ખોટી જાણકારીઓ સાથેનાં આવકવેરા રિટર્નનું એક મોટું કૌભાંડ બહાર આવ્યા બાદ આ ચેતવણી જારી કરવામાં આવી છે. જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ સરકારી કે જાહેરક્ષેત્રનાં નોકરિયાત કરદાતાનાં રિટર્નમાં અસંગત જાણકારીઓ આપવામાં આવેલી હશે તો સંલગ્ન વિભાગમાં શિસ્તનાં નિયમો હેઠળ કાર્યવાહી માટે પણ ફરિયાદ કરી દેવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer