પશ્ચિમ બંગાળમાં વાવાઝોડું 15 મૃત્યુ અને 50 ઘાયલ

પશ્ચિમ બંગાળમાં વાવાઝોડું 15 મૃત્યુ અને 50 ઘાયલ
કલકત્તા, તા. 18: પશ્વિમ બંગાળના કલકત્તા અને અન્ય જિલ્લામાં જોરદાર વાવાઝોડાના કારણે અત્યારસુધીમાં કુલ 15 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 50થી વધુ લોકોને વીજળી, કરંટ અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનામાં ઈજા પહોંચી છે. પોલીસના કહેવા પ્રમાણે ગઈકાલે મંગળવારે મોડી સાંજે આવેલા તોફાનના કારણે કલકત્તામાં સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે હાવડા જિલ્લામાં 6 અને હુગલી-બાંકુરામાં એક-એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
ઉનાળાની શરૂઆતે બાંગલાદેશ ઉપરથી પશ્ચિમ બંગાળમાં ભારે પવન ફૂંકાય છે અને વરસાદ પણ પડે છે. જેને નોરવેસ્ટર કહેવામાં આવે છે. જો કે ચાલુ વર્ષે સર્જાયેલી સ્થિતિ ખૂબ જ ગંભીર ગણવામાં આવે છે, કારણ કે આ તોફાન અત્યારસુધીમાં ખૂબ જ શક્તિશાળી હોવાનું કહેવાઇ રહ્યું છે. ગઈકાલે 7.42 વાગ્યે 82 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાના કારણે 26 સ્થળોએ 200 જેટલાં વૃક્ષો ધરાશાયી થયાં હતાં અને મેટ્રો સેવાને પણ અસર પહોંચી હતી. ત્યારબાદ 7.55 વાગ્યે 98 કિમી પ્રતિકલાકની ઝડપે ફરીથી તોફાન શરૂ થયું હતું. ભયાનક પવન ફૂંકાતા એક ઓટોરિક્ષા ઉપર વૃક્ષ પડયું હતું જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે હાવડામાં થયેલાં 6 મૃત્યુમાંથી ચારે વીજળી પડતા જીવ ગુમાવ્યો હતો. મુખ્યમંત્રી મમતા બેનરજીએ મુખ્ય સચિવને સ્થિતિની જાણકારી મેળવવાનો અને આફતના કારણે થયેલાં મૃત્યુ તેમજ નુકસાનનો રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત રાજ્ય સચિવાલય તરફથી દરેક જિલ્લામાં ઈમરજન્સી ટીમને મોકલવા કહેવામાં આવ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer