ગરમીનો પ્રકોપ : લૂથી ભાવનગરના ખેડૂતનું મૃત્યુ

ગરમીનો પ્રકોપ : લૂથી ભાવનગરના ખેડૂતનું મૃત્યુ
રાજકોટ, તા. 18 : જે રીતે છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યભરમાં ગરમી પડી રહી છે એ અસહ્ય છે. ઠંડક આપતા ઉપકરણોની પણ અસર વર્તાતી નથી એવામાં પશુ-પક્ષીઓની સ્થિતિ અતિદયનીય છે. રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહેંચી જતાં મનપા દ્વારા ફરી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હીટવેવથી બચવા લોકો અલગ અલગ પ્રયોગ કરી રહ્યા છે, પણ અંગ દઝાડતી આ ગરમીના પ્રકોપમાં કોઈપણ પ્રયોગ નાકામ બની રહ્યા છે. દરમિયાન આજે ભાવનગરમાં લૂ લાગવાથી ખેડૂતનું મૃત્યુ થયું છે.
ભાવનગરથી મળતા અહેવાલો મુજબ, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગીયાળી ગામે રહેતા ખેડૂત માવજીભાઈ જટાશંકર ખાંભલીયા (ઉં.6પ) તેમની વાડીમાં તડકામાં કામ કરી રહ્યા હતા ત્યારે એકાએક ચક્કર આવતાં પડી જવાથી તેમનું મૃત્યુ થયું હતું. લૂ લાગી જવાથી તેમનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે. દરમિયાન આજે તાપમાનનો પારો મોટાભાગના શહેરોમાં ઊંચકાયો હતો અને તેના કારણે જનજીવન પર વ્યાપક અસર થઈ હતી. બપોરના સમયે રસ્તા સુમસામ થઈ જાય છે. જે લોકોને નાછૂટકે બહાર નીકળવું પડે છે એ લોકો ટોપી, સુતરાઉ કપડાંનું આવરણ કરીને નીકળે છે. આ સિવાય લીંબુ સરબત, જ્યુસ, નાળિયેર પાણી, આઈક્રીમ, શેરડીનો રસ સહિતના પીણાં થકી ગરમીથી બચવાના ઉપાય કરે છે. તાપ એટલો છે કે ઝાડના છાંયડે પણ ઊભા રહી શકાય એવું નથી. ભારે ગરમીમાં રખડતા ગાય, કૂતરાંઓ છાંયડો અને ભીની જગ્યા શોધતા ફરે છે, તેમની હાલત દયનીય બની છે. પક્ષીઓ પણ વૃક્ષોની ઓથમાં બેઠાં રહે છે. રાજકોટમાં સાંજ પડે ઠંડક થઈ જતી પણ હવે એ ઠંડક હમણાં નથી થતી. બાફ જેવું જ વાતાવરણ રહે છે. બોટાદમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રસ્તાઓ ઉપર પાણીના માટલાં, જગ મુકવામાં આવ્યા છે. કારખાનાની ગરમીમાં કામ કરતા શ્રમિકો અને બહાર તડકા નીચે કામ કરી રહેલા મજૂરો પણ ગરમીની અકળામણ કહી શકતા નથી અને સહી શકતા નથી. આગામી બે-ત્રણ દિવસમાં ગરમી ધીમેધીમે ઓછી થતી જશે, એવી ધરપત હવામાન વિભાગે આપી છે.
 
ક્યાં કેટલું તાપમાન
જૂનાગઢ      42.3
સુરેન્દ્રનગર   42.3
કંડલા          42.3
અમરેલી      42.2
રાજકોટ       42.0
ઈડર           42.0
પોરબંદર      41.8
ડીસા          41.4
ભૂજ           41.2
અમદાવાદ   41.0
વડોદરા        41.0
સુરત          41.0
ભાવનગર    40.3
બોટાદ                                                                  40.0

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer