કેન્સરને કેન્સલ કરવા સૌ કટિબદ્ધ બનીએ: મુખ્યમંત્રી રૂપાણી

કેન્સરને કેન્સલ કરવા સૌ કટિબદ્ધ બનીએ: મુખ્યમંત્રી રૂપાણી

રાજકોટ, તા.15: રાજકોટ ખાતે પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન અને અમદાવાદ સ્થિત એચસીજી કેન્સર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા નિદાન કેમ્પને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, લોક સહયોગ અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત કેન્સરને કેન્સલ કરવા પ્રતિબદ્ધ છે. આ તકે મુખ્યમંત્રીએ યુવાનોમાં જોવા મળતા તમાકુનાં વ્યસનને સામાજિક જાગૃતિ થકી તિલાંજલિ આપવા આહ્વાન કર્યું હતું.
કેન્સર મુક્ત ગુજરાતના અભિયાનને વેગ આપતા મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, મહિલાઓમાં વધારે પ્રમાણમાં જોવા મળતાં ગર્ભાશયના કેન્સરનાં વહેલા નિદાન માટે વિદેશમાં અમલમાં મુકાયેલા પેપ નિદાન ચિકિત્સા અમલમાં મૂકવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. કેન્સર નિષ્ણાતો સાથે પરામર્શ કરી રાજ્ય સરકાર પેપ નિદાનની પોલિસી લાવશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પુજીત રૂપાણી સંસ્થાની રૂપરેખા આપતા કહ્યું કે, 1995થી ટ્રસ્ટે માનવ સેવાની પ્રવૃત્તિ હાથધરી છે, આજે તેનો વ્યાપ રાજકોટથી આગળ વધીને સૌરાષ્ટ્ર સુધી વ્યાપ વધ્યો છે તેને આવકારી હવે સંસ્થા ખાતે નિયમિત ધોરણે નિદાન અને રાહતદરે ઓપરેશનનાં સેવા કાર્યો થશે.
સમારોહના પ્રમુખસ્થાનેથી એચસીજી કેન્સર સેન્ટર અમદાવાદના કેન્સર સર્જન ડો. કૌસ્તુભભાઇ પટેલે જણાવ્યું હતું કે, કેન્સરને જાણે એ જીતે અને તેના ઉપર વિજય મેળવી શકાય છે. ડરે એ મરે છે. વહેલું કેન્સરનું નિદાન કરવામાં આવે તો દર્દીઓ બચી શકે છે. કેન્સર વ્યસન, વ્યક્તિની જીવનશૈલી, ભોજનની અનિયમિતતા અને વાતાવરણનાં પ્રદૂષણથી પણ થઇ શકે છે, જે માટે આપણે જાગૃત થવું જરૂરી છે. આ તકે ડો. પટેલે પ્રઝન્ટેશન થકી કેન્સર રોગ અંગેની માહિતી પૂરી પાડી હતી. સ્વાગત પ્રવચન કરતા ડો. જૈમિનભાઇ ઉપાધ્યાયએ પુજીત રૂપાણી ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિની વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. ઉદ્ઘાટન સમારોહ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્સર નિદાન કેમ્પની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ દર્દીઓને મળી પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા હવે કેન્સરના નિદાન અને સારવાર માટે શરૂ કરેલી સેવાઓની માહિતી આપી દર્દીઓને માર્ગદર્શન આપ્યું હતું. કેન્સર કેમ્પની મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીની સાથે શ્રીમતી અંજલીબેન રૂપાણી, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ધારાસભ્યો તેમજ અગ્રણીઓ સહભાગી થયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer