ભાટિયા સ્ટેશને ઓખા-રામેશ્વર ટ્રેનને કાલથી સ્ટોપેજ મળશે


ખંભાળિયા  સ્ટેશને ફૂટ ઓવરબ્રિજ સહિતની સુવિધા માટે ભૂમિપૂજન
 
ભાટિયા, તા.15: રેલ મંત્રાલય દ્વારા પ્રવાસીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા ટ્રેન નં.16734-16733 ઓખા-રામેશ્વરમ્ -ઓખા એકસપ્રેસને તા.17 એપ્રિલ-2018થી રાજકોટ મંડળના ભાટિયા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે જેનો વિધિવત શુભારંભ ભાટિયા સ્ટેશન પર 17-4-18  (મંગળવારે) સવારે 8-30 કલાકે આયોજિત  17 એપ્રિલથી 16734 ઓખા-રામેશ્વરમ એકસપ્રેસ ભાટિયા સ્ટેશન પર સવારે 8-40 કલાકે પહોંચીને 8-52 કલાકે રામેશ્વર માટે પ્રસ્થાન કરશે. પરતમાં 16733 રામેશ્વરમ્-ઓખા એકસપ્રેસ 23 એપ્રિલથી ભાટિયા સ્ટેશન પર  થોભશે.
ભાટિયાના ગ્રામજનો તેમજ ભાટિયા પંથકના ગામડાઓના લોકોની રેલવે તંત્ર પાસે વર્ષોથી લાંબા અંતરની ટ્રેનને ભાટિયામાં સ્ટોપ આપવાની માગ હતી અને આ પ્રશ્ને ભાટિયા ગ્રામ પંચાયત તથા રેલવે લડત સમિતિ, વેપારી એસોસીએશન ભાટિયા વિગેરેએ ટ્રેનનો સ્ટોપ આપવા રેલવેના ડી.આર.એમ. સાંસદ વિગેરેને લેખીત તથા મૌખિક રજુઆતો કરી હતી.
દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પુનમબેન  માડમના પ્રયત્નો અને મહેનતથી આગામી તા.17થી સાપ્તાહિક ગાડી નંબર 16734/ 16733 ઓખા-રામેશ્વરમ-ઓખા ટ્રેનનો સ્ટોપ મળવા લાગશે.
આ ટ્રેનના પ્રથમ વખત તા.17ને મંગળવારના રોજ ભાટિયા રેલવે સ્ટેશને સ્ટોપ થશે ત્યારે તેને વધાવવા સાંસદ પુનમબેન માડમ ઉપસ્થિત રહેશે.
તા.17 એપ્રિલ-2018 (મંગળવારે) સવારે 10-30 કલાકે ખંભાળિયા સ્ટેશન પર આયોજિત સમારંભમાં પ્રસ્તાવિત નવા ફુટ ઓવરબ્રિજ અને પ્લેટ ફોર્મ નં.1 પર પ્રવાસી લીફટનું ભૂમિપૂજન સાંસદ શ્રીમતી પુનમબેન માડમ દ્વારા કરવામાં આવશે.
આ ઉપરાંત  પ્લેટ ફોર્મ નં.1 પર નવસ્થાપિત કોચ ઇન્ડિકેટર પ્રણાલી તથા આરઓ વોટર પ્લાન્ટ તથા પ્લેટ ફોર્મ નં.2 પર કવર શેડ તથા બેન્ચોનું લોકાર્પણ પણ સાંસદ પુનમબેન માડમ દ્વારા કરવામાં આવશે.
આ સમારંભમાં વિશિષ્ટ અતિથિગણ, પ્રતિષ્ઠિત નાગરિકો, રાજકોટ મંડળના અપર મંડલ રેલ પ્રબંધક (એડીઆરએમ) એસ.એસ. યાદવ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીગણ પણ હાજર રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer