સૌરાષ્ટ્રમાં ગરમીનો આકરો મિજાજ; લોકો અકળાયા

રાજકોટ, તા. 15: ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ધીમે ધીમે ઉંચકાઇ રહ્યો છે. પરિણામે વિવિધ સ્થળોએ કાળઝાળ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. આ ગરમીમાં લોકો કામ સિવાય બહાર જવાનું ટાળી રહ્યા છે. ગરમીમાં લોકો અકળાયા હતા. ન છૂટકે જવું પડે તો ટોપી, રૂમાલ, સફેદ કપડાથી ઢંકાઇને નીકળે છે. પશુ, પંખીને પણ ગરમી અસર કરી રહી છે. છાંયડો શોધવા આમથી તેમ ફરી રહ્યા હતા. રાજકોટમાં આજનું તાપમાન મહતમ 41.1 તથા ન્યુનતમ 25.7 ટકા રહ્યું હતું સવારે 69 ટકા ભેજ તો સાંજે 18 ટકા ભેજ હતો. પવનની ઝડપ 7 કિ.મી. પ્રતિ કલાક હતી.
વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન 41.6 રહ્યું છે. ગઇ કાલે 40.8 હતું તેમાં વધારો થયો છે. ગરમીથી પશુ-પંખી, માનવી તરફડી રહ્યા છે. સવારે 11 વાગ્યાથી વાહન વહેવાર ઓછો થતો જાય છે. ક્યાંક ક્યાંક લૂ લાગવાના પણ બનાવ બને છે. વૃદ્ધ, બાળકો વધારે નિશાન બનેલ છે.
જૂનાગઢ: સોરઠમાં ઉનાળાએ ઉગ્ર મિજાજ દાખવતા ગગનમાંથી અગનવર્ષા થતા હિટવેવ સર્જાયો છે. આજે મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી, લઘુતમ 23.4 ડિગ્રી, ભેજ 77 અને 21 ટકા તથા પવન 4.9 કિ.મી. નોંધાયો છે.
ભાવનગર: ભાવનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને આંબી જતા લોકો તોબા પોકારી ગયા હતા. બપોરે પણ લૂ ફેંકાઇ હતી. ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 40.0 ડિગ્રીએ લઘુતમ તાપમાન 28.0 ડિગ્રી નોંધાયું છે. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 22 ટકા અને પવનની ઝડપ 10 કિ.મી. પ્રતિ કલાક રહી હતી. ગરમીનું જોર વધતા લોકો અકળાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer