ભારત અને બ્રિટનની ડિગ્રી ગણાશે એક સમાન

ભારત અને બ્રિટનની ડિગ્રી ગણાશે એક સમાન

મોદીના બ્રિટન પ્રવાસ દરમિયાન મહત્ત્વની સમજૂતી થવાની સંભાવના: 14 હજાર છાત્રોને થશે ફાયદો
નવી દિલ્હી, તા. 15: ભારત અને બ્રિટન વચ્ચે શૈક્ષણિક ડિગ્રીઓને સમાન માન્યતા આપવા સમજૂતી થવાની શક્યતા છે. જેના કારણે હજારો ભારતીય છાત્રોને ફાયદો મળશે. બ્રિટને ભારત સમક્ષ શૈક્ષણિક ડિગ્રીઓને એક સમાન ગણવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આગામી અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય વાર્તાલાપ માટે બ્રિટન જઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે શૈક્ષણિક ડિગ્રીને લઈને મહત્ત્વનો કરાર કરવામાં આવે તેવી સંભાવના છે.
બંને દેશો વચ્ચે ડિગ્રીઓને એકસમાન ગણવાની માન્યતા મળવાથી ભારતના બીએને બ્રિટનમાં બીએ અને ભારતના પોસ્ટ ગ્રેજ્યુએશનને બ્રિટનમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએશન તરીકે જ ગણવામાં આવશે. એવો અંદાજ છે કે, મોદીના બ્રિટન પ્રવાસ દરમિયાન ડિગ્રીઓને એક સમાન ગણવાનો મુદ્દો ઉઠાવવામાં આવશે. જો વાતચીત સફળ રહેશે તો તેનો ફાયદો 14 હજાર ભારતીય છાત્રોને મળશે. શૈક્ષણિક સમજૂતિ મામલે બ્રિટિશ રાજદ્વારી અધિકારી ડોમિનિક ક્યૂસિથે કહ્યું હતું કે, ભારત બ્રિટનના પ્રસ્તાવને સ્વીકાર્ય ગણશે તો તેની ખુશી રહેશે. અત્યારે જો કોઈ ભારતીય છાત્ર બ્રિટનની કોઈપણ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને પરત ફરે છે તો ભારતમાં તેને પીએચડી કરવા માટે યોગ્ય ગણવામાં આવતો નથી, કારણ કે બ્રિટનમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો સમયગાળો એક વર્ષનો છે. જ્યારે ભારતમાં તેની સમયમર્યાદા બે વર્ષની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer