આખરી દિવસે ભારતે એક ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા

આખરી દિવસે ભારતે એક ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા
સાઇનાને સુવર્ણ, સિંધુ-શ્રીકાંતને સિલ્વર: માણિકાના નામે વધુ એક મેડલ

ગોલ્ડ કોસ્ટ તા.1પ: 21મા કોમનવેલ્થ ગેમ્સના આખરી દિવસે ભારતીય ખેલાડીઓએ તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને કુલ સાત ચંદ્રક જીત્યા હતા. અનુભવી શટલર સાઇના નેહવાલે દેશ માટે 26મો સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ ઉપરાંત આજે છેલ્લા દિવસે ભારતની જોળીમાં વધુ ચાર રજત અને બે કાંસ્ય ચંદ્રક આવ્યા હતા. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થના અંતિમ દિવસે બેડમિન્ટનમાં ભારતે એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ કબજે કર્યાં હતા.
સાઇનાને ગોલ્ડ અને સિંધુને સિલ્વર: મહિલા બેડમિન્ટનનો ફાઇનલમાં બે ભારતીય ખેલાડી સાઇના નેહવાલ અને પીવી સિંધુ વચ્ચે રમાયો હતો. જેમાં વિશ્વ નંબર 12 સાઇનાએ હમવતન અને વિશ્વ નંબર ત્રણ પીવી સિંધુને પ6 મિનિટમાં 21-18 અને 23-21થી હાર આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીતનારી સાઇના ભારતની પહેલી બેડમિન્ટન ખેલાડી બની છે. 2010ના દિલ્હી કોમનવેલ્થમાં સાઇનાએ પહેલો ગોલ્ડ જીત્યો હતો.
શ્રીકાંતને સિલ્વરથી સંતોષ કરવો પડયો: તાજેતરમાં વર્લ્ડ નંબર વન બનેલા ભારતના સ્ટાર શટલર કિદાંબી શ્રીકાંતને પુરુષ વિભાગના સિંગલ્સના ફાઇનલમાં મલેશિયાના દિગ્ગજ અને પૂર્વ નંબર વન  ખેલાડી લી ચોંગ વેઇએ 19-21, 21-14 અને 21-14થી હાર આપી હતી.  લી ચોંગે આ સાથે કોમનવેલ્થમાં રેકોર્ડ પાંચમીવાર ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પુરુષ ડબલ્સમાં પણ સિલ્વર: ભારતીય જોડી સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીનો મેન્સ ડબલ્સના ફાઇનલમાં ઇંગ્લેન્ડની જોડી માર્કસ એલિસ અને ક્રિસ લેંગરિજ સામે 13-21 અને 16-21થી પરાજય થયો હતો. આથી ભારતીય જોડીને રજત ચંદ્રક મળ્યો હતો.
સ્ક્વોશમાં સિલ્વર: દીપિકા પલ્લીકલ અને જોશના ચિનપ્પાની ભારતીય જોડીને મહિલા ડબલ્સના ફાઇનલમાં ઇંગ્લેન્ડની જોડી સામે હાર મળી હતી. આથી દીપિકા-જોશનાને રજત ચંદ્રક મળ્યો હતો.
માણિકા બત્રાને વધુ એક ચંદ્રક: ટેબલ ટેનિસના મિકસ ડબલ્સમાં માણિકા બત્રા અને સાથિયાન ગણાશેખરની જોડીએ કાંસ્ય ચંદ્રક માટેના મેચમાં હમવતન જોડી શરથ કમલ અને મૌમા દાસને હાર આપી હતી. જયારે મેન્સ સિંગલ્સમાં શરથ કમલને કાંસ્ય ચંદ્રક મળ્યો હતો. શરથ કમલ અગાઉ 2006ના કોમનવેલ્થમાં ગોલ્ડ જીતવામાં સફળ રહયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer