જામનગરની લાખોની લૂંટનો ભેદ ઉકેલાયો બે નામચીન 28 લાખના માલ સાથે ઝડપાયા

જામનગરની લાખોની લૂંટનો ભેદ ઉકેલાયો બે નામચીન 28 લાખના માલ સાથે ઝડપાયા
બંગલામાં વૃદ્ધા એકલા રહેતાં હોવાથી ત્રણ દિવસ રેકી કરી હતી

જામનગર, તા.15: દિગ્વિજય પ્લોટમાં પૂર્વ ઉદ્યોગપતિના બંગલામાં ઘૂસી તેમનાં વૃદ્ધ પત્ની ઉપર હુમલો કરી તેમના હાથ-પગ બાંધી થયેલી લૂંટનો ભેદ એલ.સી.બી.પોલીસે ઉકેલી જામનગર સલાયાના બે શખસોની ધરપકડ કરી રૂ.27.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
દિગ્વિજય પ્લોટ શેરી નં.7/8માં રિદ્ધિ સિદ્ધિ નામના બંગલામાં તા.12ના રાત્રે ઘૂસી એકલા રહેતાં પૂર્વ ઉદ્યોગપતિ જયંતીલાલ કનખરાનાં પત્ની શારદાબેન (ઉ.75) ઉપર હુમલો કરી મકાનના કબાટ-તિજોરીમાંથી બે બુકાનીધારી શખસો સોના-ચાંદીના ઘરેણા રોકડ રકમની લૂંટ કરી ગયા હતા. આ લૂંટ તેમના પૌત્ર મિતેશ મુકેશભાઈ કનખરાએ ફરિયાદ નોંધાવી હતી.
ડી.એસ.પી. પ્રદીપ સેજુળની સૂચના મુજબ એલ.સી.બી.ના પોલીસ ઈન્સ્પેક્ટર આર.એ.ડોડિયા, પી.એસ.આઈ. વી.વી.વાગડિયા તથા તેમના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. અગાઉ લૂંટ-ઘરફોડીના ગુનામાં પકડાયેલા સલાયાના એજાજ ઉર્ફે એજલો રજાકભાઈ વાઘેર તથા જામનગરમાં સુમરા ચાલીમાં રહેતો યુસુફ ઉર્ફે છાપરી આમદભાઈ સુખરા સંડોવાયા હોવાની અને આ બંને શખસો સોનાના ઘરેણા વેંચવા એસ.ટી.ડેપો ઉપરથી અમદાવાદ જવાની પેરવી કરતા હોવાની બાતમી મળી હતી. આથી એલ.સી.બી. પોલીસે એસ.ટી.ડેપોની આજુબાજુમાં કોર્ડન કરી ‘વોચ’ ગોઠવી બંને શખસોને ઝડપી લીધા હતા. પોલીસે આ શખસો પાસેથી 1150 ગ્રામ (115 તોલા) સોનાના ઘરેણા, 715 ગ્રામ ચાંદીના ઘરેણા, રૂ.66 હજારની રોકડ રકમ મળી કુલ રૂા.27 લાખ 77 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે, બંગલામાં શારદાબેન કનખરા એકલા રહેતાં હોવાની અને બંગલામાં તેઓ વધુ પ્રમાણમાં સોનાના ઘરેણા તથા રોકડ રકમ રાખતા હોવાની જાણ થતાં ત્રણ દિવસ સુધી બંગલાની આજુબાજુ રેકી કરી હતી અને તા.12ની રાત્રે બંગલાની પાછલની દિવાલ ટપી કાચની બારીમાં હાથ નાખી દરવાજાની સ્ટોપર ખોલી અંદર પ્રવેશ્યા હતા અને આ લૂંટ કરી હતી. પકડાયેલ તેમજ અગાઉ લૂંટ, ઘરફોડ ચોરી તથા મારામારીના ગુનામાં પકડાયો હોવાનું અને બે મહિના પહેલા પોતાના ભાઈઓ સાથે સલાયામાં પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર ખૂની હુમલો કરી નાશી ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઉપરાંત યુસુફ પણ ખૂન, ખૂનની કોશિશ તથા પીક પોકેટિંગના ગુનામાં પકડાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે બંને શખસોને રિમાન્ડ ઉપર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer