જેતપુરમાં પ્રેમીયુગલનો આપઘાત

જેતપુરમાં પ્રેમીયુગલનો આપઘાત
પ્રથમ ઝેરી દવા પીધા બાદ ફાંસો ખાઇ મૃત્યુને વહાલું કર્યું

જેતપુર, તા. 15: જેતપુરમાં પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો હતો. નવાગઢની ઇદ મસ્જિદ વિસ્તારમાં તરુણી અને તલ્લાક લીધેલ યુવાને ઝેરી દવા પી તથા ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ બનાવમાં 16 વર્ષની તરુણી ભાવના અને 22 વર્ષના રમીજ જુમાભાઇ લાડક નામના યુવાનનાં મૃત્યુ નીપજ્યાં હતાં.
નવાગઢની ઇદ મસ્જિદધાર વિસ્તારમાં રહેતા રાજુભાઇ વાવડિયા (રાવળ) સહિતના ઘરના સભ્યો વહેલી સવારે ઉઠયા ત્યારે તેમની 16 વર્ષની સગીર વયની પુત્રી ભાવના ઘરમાં નજરે પડી ન હતી. આથી ઘરના સભ્યો ચોંકી ઉઠયા હતા અને પુત્રીની શોધખોળ શરૂ કરી હતી. આ શોધખોળ દરમિયાન બેપતા બનેલી પુત્રીને તેના જ વિસ્તારમાં રહેતા અને તલ્લાક લીધેલા સંધી યુવાન રમીજ જુમાભાઇ લાડક સાથે પ્રેમસંબંધ બંધાયાની વાત મળી હતી. આ વિગતના આધારે તરુણીના માવતર નજીકમાં રહેતા રમીજના ઘેર ગયા હતા અને તેના મકાનનો દરવાજો ખખડાવ્યો હતો. રમીજની માતાએ દરવાજો ખોલ્યો હતો. તેને રમીજ અંગે પૂછતા તે રૂમમાં સૂતો હોવાનું જણાવાયું હતું તથા તેની પુત્રી તમારા ઘેર હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી અને રમીજનો રૂમ ખોલવાનું કહ્યું હતું. આથી તેની માતાએ રૂમ ખોલતા જ બંને લટકતા નજરે પડયા હતા. આ દૃશ્ય જોઇને થોડીવાર માટે સ્તબ્ધતા છવાઇ હતી. બાદમાં જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી હતી. પોલીસે બંનેનાં મૃતદેહ કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસની તપાસમાં તરુણી અને રમીજની આંખ મળી ગઇ હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો પરંતુ બંને જુદી જુદી કોમના હોય અને સમાજ એક થવા નહીં દે તેવું જણાતા બંનેએ પ્રથમ ઝેરી દવા પીધી હતી. બાદમાં બંનેએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધાનું ખૂલ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer