પોરબંદરના ભાવપરા-મીંયાણી પંથકમાં દીપડાએ નીલ ગાયને ફાડી ખાધી

પોરબંદરના ભાવપરા-મીંયાણી પંથકમાં દીપડાએ નીલ ગાયને ફાડી ખાધી
પોરબંદર, તા.15: પોરબંદરના બરડા ડુંગર આસપાસ વિસ્તારમાં સામાન્ય રીતે દીપડાનો ત્રાસ જોવા મળતો હોય છે પરંતુ દરિયાઈ પટ્ટી પરના ભાવપરા-મીંયાણી પંથકમાં દીપડાએ નીલગાયને ફાડી ખાતા ગ્રામજનોમાં ભય છવાયો છે. આ દીપડાને પકડવાની કાર્યવાહી વનવિભાગ દ્વારા કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.
પોરબંદરના બરડાડુંગરમાં વસવાટ કરતા દીપડાઓ અવારનવાર ગામમાં માનવ વસાહત વચ્ચે આવી ચડે છે ત્યારે તેને પકડીને વનવિભાગ દ્વારા જૂનાગઢ મોકલવામાં આવે છે પરંતુ પોરબંદરથી દ્વારકા જતા રસ્તા પરના દરિયાકાંઠે વસેલા મીંયાણી અને ભાવપરા પંથકનાં જંગલોમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ ધામા નાખતા વાડીએ જતા ખેતમજૂરો, ખેડૂતો ઉપરાંત ગ્રામજનોમાં પણ ભયની લાગણી જોવા મળી રહી છે ત્યારે ભાવપરા નજીક ખૂંખાર બનેલો દીપડો અચાનક ત્રાટક્યો હતો અને નીલગાયનો શિકાર કર્યો હતો. દીપડાએ નીલગાયને ગળામાં પોતાના પંજાના નખ ઘૂસાડી દેતા ત્યાં જ નીલગાયનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે લોકોએ વનવિભાગને જાણ કરી હતી અને આ દીપડો કોઈ માનવીનો શિકાર કરે તે પહેલા તેને પાંજરું મૂકીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી પણ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer