સુરતની ‘આસીફા’ પણ માગે છે ન્યાય

સુરતની ‘આસીફા’ પણ માગે છે ન્યાય
11 વર્ષની અજાણી બાળા ઉપર 8 વાર બળાત્કાર, 86 ઈજાઓ, હત્યા બાદ ફેંકી દેવાઈ : 9 દિવસે પોલીસ જાગી, તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ

(ફૂલછાબ ન્યૂઝ)  સુરત, તા.15: જમ્મુના કઠુઆમાં બાળકી સાથે થયેલા ગેંગરેપ ઘટનાને તાજી કરે એવી ઘટના સુરતમાંથી બહાર આવી છે. 10 દિવસ પહેલા તા.6 એપ્રિલે શહેરના પાંડેસરા વિસ્તારમાંથી 11 વર્ષીય અજાણી બાળકીની લાશ પોલીસને મળી હતી. આ બાળકીના શરીર ઉપર ઈજાના 86 જેટલા નિશાનો મળ્યા હતા. ગુપ્તભાગે પણ ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. તેની ઉપર આઠ આઠ વખત બળાત્કાર થયો હતો. પીએમ રિપોર્ટમાં બાળકીને ગળેટૂંપો દઈને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. બાળકી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને હજી સફળતા મળી નથી. 11 વર્ષની બાળાને પીંખીને હત્યા કરી નાખનારા નરાધમો હજી પણ પોલીસ પકડની બહાર ફરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં આ મામલો ઉછળતા આજે શહેર પોલીસ કમિશનર શર્મા આ મામલે હરકતમાં આવ્યા હતા. બાળકીની હત્યાનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપી હતી.
અગિયાર વર્ષની બાળકીનો હત્યા અને દુષ્કર્મનો કિસ્સો એવો છે કે ગત 6ઠ્ઠી એપ્રિલે પોલીસને શહેરનાં પાંડેસરા પોલીસ મથકની હદમાં આવતાં જીઆવ બુડિયા રોડ પર ઝાડીમાંથી સવારે આ બાળકીની લાશ મળી હતી. પહેલી નજરે જ બાળકીની લાશ જોતાં તેની સાથે બળાત્કાર કરીને હત્યા કરી દેવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું. બાળકીને નરાધમોએ કેટલાક દિવસ ગોંધી રાખી હોવાનું જાણવા મળ્યું છે. બાળકીની ઓળખ માટે છેલ્લાં બે દિવસથી સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચાલી રહ્યું છે. આમ છતાં હજુ સુધી બાળકીની ઓળખ માટે કોઈ સામે આવ્યું નથી.
માસુમ બાળકીની પીંખી નાખનારાઓ હજુ પણ પોલીસની પકડથી બહાર છે. સોશ્યલ મીડિયામાં આ મુદો્ ઉછળતાં પોલીસ એક્શનમાં આવી છે. આજે શહેર પોલીસ કમિશ્નરે તાબડતોબ પ્રેસ બોલાવીને મામલાની વિગતો આપી હતી. કમિશ્નરે જણાવ્યું હતું કે, ગત છઠ્ઠી એપ્રિલે પોલીસને પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાંથી એક અજાણી બાળકીની લાશ મળી હતી. પીએમમાં હત્યાનાં 24 કલાક પહેલાં બાળકી સાથે બળાત્કાર થયો હોવાનું સાબિત થયું છે. અજાણી બાળકીનાં શરીરનાં ઈજાનાં નિશાને ધ્યાને રાખીને પોલીસે બાળકીનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ફોરેન્સીકમાં એવી જાણકારી મળી છે કે બાળકી સાથે સતત આઠ વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. નરાધમોએ દુષ્કૃત્ય આચરીને બાળકીની ક્રુર અને ઘાતકી રીતે હત્યા કરી નાખી હતી. બાળકી સાથે થયેલાં દુષ્કર્મનાં મામલે પોલીસે તપાસની ગતિ વધારી છે અને ઝડપથી હત્યાનો કોયડો ઉકેલવાની ખાત્રી આપી છે.
નોંધવું કે, હજુ પણ પોલીસનાં હાથે કંઈ લાગ્યુ નથી. અત્યાર સુધી આ મામલે પોલીસની તપાસની ગતિ ધીમી હતી. સોશ્યલ મીડીયામાં કેમ્પેઈન બાદ પોલીસ હરકતમાં આવી છે.
 
બાળકીનાં હત્યારાને ફાંસીની સજાની માગ
છેલ્લાં બે દિવસથી ફેસબુક, ટ્વીટર જેવા સોશ્યલ મીડીયાનાં પ્લેટફોર્મમાં કઠુઆના ગુનેગારોને કડકમાં સજા આપવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે સુરતની અજાણી બાળકીનાં મામલે પણ લોકો પોતાનાં વિચારો વ્યક્ત કરી રહ્યા છે. સુરતની અજાણી બાળકીનાં હત્યારાઓને પણ ફાંસીની કડક સજા મળે તે માટે લોકો માગ કરી રહ્યા છે. ગઈકાલે સાંજે શહેરનાં ચોક વિસ્તારમાં બાળકીને ન્યાય મળે તે માટે લોકોએ કેન્ડલ માર્ચ કાઢી હતી.
 
પોલીસને માહિતી આપનારને રૂા. 20,000નું ઈનામ
નવ દિવસથી હત્યાનો ભેદ ઉકેલવામાં સરેઆમ નિષ્ફળ ગયેલી સુરત પોલીસ આજે માસુબ બાળકીનાં હત્યારાઓને શોધવામાં મદદ કરનારને રૂા. 20હજારનું ઈનામ આપવાની જાહેરાત પોલીસ કમિશ્નર શર્માએ કરી હતી. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતનાં તમામ પોલીસ સ્ટેશનો અને ટ્રેનોમાં અને રેલ્વે સ્ટેશને અજાણી બાળકીનાં ફોટા સાથે પોસ્ટર લગાડવામાં આવ્યા હોવાની જાણકારી આપી હતી. બાળકીનાં હત્યારાઓઁને શોધવા માટે પોલીસ પણ સોશ્યલ મીડિયાનો સહારો લઈ રહી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer