પાકિસ્તાન સેના પ્રમુખનો રાગ શાંતિ

પાકિસ્તાન સેના પ્રમુખનો રાગ શાંતિ
ભારત સાથે તમામ વિવાદો અર્થપૂર્ણ વાટાઘાટથી જ ઉકેલાશે: જનરલ બાજવા

ઈસ્લામાબાદ, તા.1પ: પાકિસ્તાન સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને ડહાપણ લાદ્યું હોય તેવા એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે કાશ્મીર સહિતના ભારત-પાક. વચ્ચેના તમામ વિવાદનો ઉકેલ માત્ર અર્થપૂર્ણ વાટાઘાટોથી જ આવી શકશે. કાકુલમાં પાકિસ્તાન સૈન્ય એકેડમીની પરેડમાં સંબોધન કરતાં બાજવાએ કહ્યું હતું કે કાશ્મીર સહિતના મુદ્દાઓનો શાંતિપૂર્ણ ઉકેલ માત્ર વાટાઘાટોમાંથી જ મળી શકશે. આવી મંત્રણા કોઈ એક પક્ષકારનાં હિતમાં નહીં પણ સમગ્ર પ્રદેશની શાંતિ માટે પણ અનિવાર્ય છે. પાકિસ્તાન સંપ્રભુતા, સમાનતા, સન્માન અને ગૌરવના આધારે યોજાય તો આવા વાર્તાલાપ માટે પ્રતિબદ્ધ છે. પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે તેવી શેખી મારતા તેમણે આગળ કહ્યું હતું કે દેશ તમામ રાષ્ટ્રો, ખાસ કરીને પાડોશીઓ સાથે સુમેળ અને સહઅસ્તિત્વ ઝંખે છે. આ સાથે જ તેમણે એવી પણ બડાશ મારી હતી કે પાકિસ્તાની સેના કોઈપણ પ્રકારના ખતરાને ભરી પીવા માટે પણ સમર્થ છે.
 
પાકની આડોડાઇ, ભારતનો વિરોધ
શીખ યાત્રીઓને ભારતીય રાજદ્વારી ટીમ સાથે મળવા પર રોક
નવી દિલ્હી, તા. 15: પાકિસ્તાનમાં છેલ્લા લાંબા સમયથી ભારતીય રાજદૂતોનું ઉત્પિડન કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ઉઠાવવામાં આવ્યો છે ત્યારે ઉત્પિડનનો વધુ એક મામલો સામે આવ્યો છે. જેમાં ભારતીય તીર્થયાત્રીઓની ભારતીય રાજદૂતો સાથેની મુલાકાત ઉપર પાકિસ્તાની સરકારે પ્રતિબંધ લાદ્યો છે. વિદેશ મંત્રાલય દ્વારા સમગ્ર મામલાની જાણ પત્રકાર પરિષદ બોલાવીને આપવામાં આવી છે. જેમાં પાકિસ્તાને રાજદૂતો સાથે દુર્વ્યવહાર કરી  વિએના સંઘી અને ધાર્મિક યાત્રિકો માટેના દ્વિપક્ષીય કરારોનું ઉલ્લંઘન કર્યું હોવાનું કહેવામાં આવ્યું છે.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, એક સામાન્ય પ્રક્રિયા અનુસાર ભારતીય રાજદૂતોને ભારતથી પાકિસ્તાન જતા તીર્થયાત્રીઓનાં તીર્થ સ્થળે જવાની અને તેઓ સાથે મુલાકાત કરવાની છૂટ હોય છે. કાઉન્સિલર અને પ્રોટોકોલ સંબંધિત જવાબદારીના નિર્વાહ માટે રાજદૂતોને મંજૂરી આપવામાં આવે છે. જેનો હેતુ મેડિકલ ઈમરજન્સી કે અન્ય કોઈ મુશ્કેલ પરિસ્થિતિ દરમિયાન એક-બીજાની મદદ કરવાનો છે. જો કે પાકિસ્તાનના રાવલપિંડીમાં આવેલા ગુરુદ્વારા પંજા સાહેબ પહોંચેલા 1800 ભારતીય તીર્થયાત્રીઓને રાજદૂતો સાથે મુલાકાત કરવા દેવામાં આવી નહોતી. આ ઉપરાંત જરૂરી પ્રોટોકોલનું પાલન કરવામાં પણ રોક મૂકી હતી. વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે ભારતીય શીખ યાત્રીઓ બૈસાખીના પર્વમાં વાઘા સ્ટેશને 12 એપ્રિલે પહોંચી ગયા હતા અને 14 એપ્રિલે ભારતીય યાત્રીઓ સાથે પાકિસ્તાનમાં રહેલા ભારતીય રાજદૂત સાથે મિટિંગ નક્કી કરવામાં આવી હતી. જો કે પાકિસ્તાને મિટિંગ રદ કરી હતી. આ ઉપરાંત ભારતીય રાજદ્વારી અધિકારી અજય બસેરિયાની ગાડી ગુરુદ્વારા તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં જ સુરક્ષાનો હવાલો આપીને તેને પાછા મોકલી દેવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, પાકિસ્તાને વિયેના સંધી અને  ધાર્મિક યાત્રિકો માટેના દ્વિપક્ષીય કરારોનું ઉલ્લંઘન કર્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer