‘દીન બચાઓ, દેશ બચાઓ’ રેલીમાં હજારો મુસ્લિમ ઉમટયા

‘દીન બચાઓ, દેશ બચાઓ’ રેલીમાં હજારો મુસ્લિમ ઉમટયા
પટણા, તા.15 : બિહારના પાટનગર પટણામાં આવેલા ગાંધી મેદાનમાં દીન(ધર્મ) બચાઓ, દેશ બચાઓ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈમારત શરિયા અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સંયુક્તરૂપે ઈસ્લામ અને રાષ્ટ્ર જોખમમાં હોવાનું કહીને વિરોધમાં રસ્તા ઉપર ઉતરવાનું એલાન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમો ઉમટી પડયા હતા.  ટ્રિપલ તલાકથી લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ, સંવિધાન અને ઈસ્લામ ઉપર જોખમના મુદ્દે પર્સનલ લો બોર્ડ અને ઈમારત શરિયા આક્રમક છે અને આ જ મુદ્દાને લઈને રેલીનું એલાન કરવામાં આવ્યું હતું.
દીન બચાઓ દેશ બચાઓ કાર્યક્રમનું ઉદ્ઘાટન અમીર એ શરિયત મૌલાના મોહમ્મદ વલી રહેમાનીએ કર્યું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ્ય હિંદુ-મુસ્લિમ ભાઈચારામાં પડકારો ઉભા થયેલા તત્વો અંગે લોકોને સાવચેત કરવાનો હતો.
ઈમારત શરિયાના નાઝિમ અનીસુર રહેમાન કાસમીએ કહ્યું હતું કે, દીન બચાઓ, દેશ બચાઓ રેલી બિનરાજકિય કાર્યક્રમ છે. તેને રાજનીતિ સાથે જોડવામાં ન આવે. મૌલાના ઉમરેન મહફૂઝ રહમાનીએ કહ્યું હતું કે, અરરિયા, ફૂલપુર અને ગોરખપુરમાં જનતાએ કેન્દ્રને ટ્રિપલ તલાક આપ્યા છે. આ સમયે હવે કમજોર લોકો માટે કોમ આગળ આવે તેવી અપીલ કરી હતી. અબૂ તાલિબ રહેમાનીએ કહ્યું હતું કે, પાંચ લાખ મુસ્લિમ મહિલાઓએ હસ્તાક્ષર કરીને કેન્દ્રને પત્ર લખ્યો હતો. તેમ છતાં ટ્રિપલ તલાક બિલ લાવીને મુશ્કેલીઓના નિરાકરણનો દાવો કરવામાં આવી રહ્યો છે. 
બોર્ડના સચિવ મૌલાના વલી રહેમાનીએ કહ્યું હતું કે, ભાજપ સંવિધાન મુજબ દેશ ચલાવે તે માટે ચાર વર્ષ રાહ જોઈ. પરંતુ હવે મુસ્લિમોના લો બોર્ડ ઉપર હુમલો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં દેશવાસીઓ ઉપરાંત ઈસ્લામ ઉપર પણ જોખમ ઉઠી રહ્યું છે તે અંગે લોકોને સચેત કરવા જરૂરી બન્યા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. કાર્યક્રમ દરમિયાન કોઈપણ અપ્રિય ઘટના ન બને તે માટે પુરતી સુરક્ષા રાખવામાં આવી હતી. જેમાં 5000 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એમ્બ્યુલન્સ અને તબીબો પણ સ્થળ ઉપર હાજર રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer